સીમ કાર્ડ ખરીદવા માટે યૂઝર્સે આપવી પડશે ચહેરાની જાણકારી, ફેસ સ્કેન થયું ફરજિયાત

ચીને ગ્રાહકોને નવો મોબાઇલ નંબર મેળવવા માટે ફેસ સ્કેન (ચહેરાની ઓળખ) આપવી ફરજિયાત બનાવી દીધી છે. ચીનના નાગરિકો તેમના સોશ્યલ મીડિયા ફોર્મ પર આ નિયમની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે ચીની સરકાર કહી રહી છે કે નવા નિયમથી ઓનલાઈન વપરાશકારોની સુરક્ષામાં વધારો થશે.

ચીનના ઔlદ્યોગિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે રવિવારે એક નોટિસ ઈશ્યુ કરી છે. નોટીસામાં ફેસ સ્કેન કરવા આદેશ અપાયો છે. નોંધનીય છે કે 2013થી, ચીનમાં ઓરિજનલ નામ પર મોબાઇલ નંબર આપવાના નિયમનું સખ્તીથી પાલન કરવામાં આવે છે. હવે સરકાર આગળ વધી છે અને કહ્યું છે કે યૂઝર્સની માહિતી રાખવા માટે કંપનીઓએ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નિકનો ઉપયોગ કરવાનું રહે છે.

મોબાઇલ ફોન યૂઝર્સને ડર છે કે મોબાઇલ કંપનીઓ તેમના ફાયદા માટે બાયમેટ્રિક ડેટા વેચી દેશે અથવા લીક થઈ જાય તો મોટું જોખમ રહેલું છે.

ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે. વીબો પર એક યૂઝર્સે લખ્યું કે ફરી નિયંત્રણ.. કેટલાક વપરાશકર્તાઓએ તો એમ પણ કહ્યું હતું કે આ રીતે સરકાર સામાન્ય નાગરિકોના ખાનગી જીવનમાં દખલ શરૂ કરશે.

2012માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબોએ ઓરિજનલ નામ સાથે એકાઉન્ટની નોંધણી શરૂ કરી હતી. આ અંગે ચીનના લોકોનો એટલો બધો વિરોધ ફાટી નીકળ્યો હતો કે કંપનીએ આ યોજના પાછી ખેંચી લેવી પડી હતી.

એક પાર્ટી સિસ્ટમ સાથેના આ દેશમાં, વિકાસ ઝડપથી થઈ રહ્યો છે, પણ સામાન્ય નાગરિકોની સ્વતંત્રતા અને ગોપનીયતા પ્રશ્નાર્થ કરી રહી છે. અહીં મોલમાં પ્રવેશથી લઈને જાહેર સ્થળોની દેખરેખ સુધીની ચહેરાની ઓળખ માટે અત્યાધુનિક ગુપ્તચર ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉદ્વવ ઠાકરેનું મોટું નિવેદન, હિન્દુત્વની વિચારધારા છોડીશ નહીં

મહારાષ્ટ્રમાં એનસીપી-શિવસેના અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી મુખ્ય પ્રધાન બનનારા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ હંમેશાં હિન્દુત્વની વિચારધારાની સાથે છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, મહારાષ્ટ્રના વિશેષ સત્ર દરમિયાન ઠાકરેએ કહ્યું – “હું હિન્દુત્વની વિચારધારાની સાથે છું, મેં તેને છોડી નથી.”

આ સાથે ઉદ્ધવે રવિવારે વિધાનસભામાં વિપક્ષી નેતા બનાવવામાં આવેલા દેવેન્દ્ર ફડણવીસને પણ નિશાન બનાવ્યા હતા. ફડણવીસને મિત્ર ગણાવતા ઠાકરેએ કહ્યું કે તેઓ તેમને વિપક્ષી નેતા તરીકે જોતા નથી. તેઓ મારા મિત્ર છે.

પોતાના અભિનંદન સંદેશમાં ઉદ્વવ ઠાકરેએ કહ્યું હતું કે, મેં ક્યારેય કહ્યું નથી કે હું પાછો ફરીશ, પણ હું આ ઘરે આવ્યો છું. તેમણે કહ્યું, “હું સદન અને મહારાષ્ટ્રના લોકોને ખાતરી આપું છું કે હું મધ્યરાત્રિએ કંઇ કરીશ નહીં.” હું લોકોના હિત માટે કામ કરીશ.

ઉદ્વવ ઠાકરેનો આ કટાક્ષ ત્રીજી નવેમ્બરના રોજ ફડણવીસ અને એનસીપીના પ્રમુખ અજિત પવારના ઉતાવળમાં શપથ લેવાના સંબંધમાં જોવા મળે છે. ગૃહને ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા અપીલ કરતા ઠાકરેએ કહ્યું કે, “આ સરકારનો ઉદ્દેશ માત્ર ખેડૂતોનું દેવું માફ કરવાનું નથી, પરંતુ આપણે તેમની સમસ્યાઓ ઘટાડવાની પણ જરૂર છે.”

શિવસેનાના વડાએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ સાથે મિત્રતા છે અને તેનો  સ્વીકાર કરવામાં મને કોઈ સંકોચ નથી. ઠાકરેએ કહ્યું કે, “મને સ્વીકારવામાં જરાય ખંચકાટ નથી કે અમે લાંબા સમયથી સારા મિત્રો છીએ.” જો તમે અમારી વાત સાંભળી હોત, તો હું ઘરે બેઠા બેઠા ટીવી પરની ઘટનાઓ જોતો હોત.

એનસીપી નેતા જયંત પાટીલે ફડણવીસ પર નિશાન સાધ્યું હતું. પાટીલે કહ્યું કે, “તેમણે (ફડણવીસ) કહ્યું કે તેઓ પાછા ફરશે, પરંતુ તેઓ (ગૃહમાં) ક્યાં બેસશે તે કહ્યું નથી.” પાટીલે કહ્યું, “હવે તેઓ પાછો ફર્યા છે અને ટોચનાં પદ પર છે (વિપક્ષી નેતા) જે મુખ્યમંત્રી પદની સમાન છે.”

એનસીપી નેતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઠાકરેની અધ્યક્ષતાવાળી શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન સરકારને હાંકી કાઢવાના કોઈપણ પ્રયત્નોનો ફડણવીસ ભાગ નહીં બનશે.

આ ગુજરાતી યુવા કરશે ICCમાં ભારતીય ક્રિકેટ બોર્ડનું પ્રતિનિધિત્વ

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ચીફ એક્ઝિક્યુટિવ કમિટી (સીઈસી)ની ભવિષ્યની બેઠકોમાં ભારતીય ક્રિકેટ બોર્ડનું પ્રતિનિધિત્વ કરશે. રવિવારે યોજાયેલી બીસીસીઆઈની વાર્ષિક સભા(એજીએમ)માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જય શાહ 23 ઓક્ટોબરના રોજ સેક્રેટરી બન્યા, સાથે ગાંગુલી બીસીસીઆઈ પ્રમુખ બન્યા.

જય શાહને બીસીસીઆઈની 88મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આઇસીસીની બેઠક માટે બોર્ડના પ્રતિનિધિત્વ માટે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીએ પીટીઆઈને કહ્યું, “જ્યારે પણ કોઈ બેઠક થશે ત્યારે જય શાહ તેમાં બોર્ડનું પ્રતિનિધિત્વ કરશે.” આઈસીસીની સીઈસીની આગામી બેઠકની તારીખ અને સ્થળ નક્કી થવાનું બાકી છે. જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સંચાલક સમિતિ (સીઓએ) દ્વારા બોર્ડનું વહીવટી કાર્ય સંચાલિત કરવામાં આવતું હતું ત્યારે બીસીસીઆઈના ચીફ એક્ઝિક્યુટિવ રાહુલ જોહરી બોર્ડના પ્રતિનિધિ હતા. જય શાહ ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર છે.

વડોદરા : ગેંગરેપના આરોપીઓ માટે એક લાખનુ ઈનામ, સ્કેચ જારી કરાયા

વડોદરા સામૂહિક દુષ્કર્મને ૩૫ કલાક કરતા વધારે સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓની ધરપકડ થઈ શકી નથી. આ મામલે હવે પોલીસે આરોપીઓને પકડવા માટે માહિતી આપનારને એક લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીઓના નવા સ્કેચ પણ જાહેર કર્યા છે. પોલીસની ૨૨થી વધુ ટીમો દુષ્કર્મનો કેસ ઉકેલવા માટે કામે લાગી છે.

પોલીસ તરફથી આસપાસના દરેક ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે.આ મામલે વડોદરા શહેર કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે, ૨૮ તારીખે રાત્રે બનેલા બનાવમાં આરોપીઓને પકડવા માટે પોલીસના વિવિધ વિભાગની ૨૨ જેટલી ટીમો કામ કરી રહી છે. આશરે ૨૦૦ જેટલા પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીના જવાનો તપાસમાં લાગ્યા છે. આ વિસ્તારના તમામ ઘરોમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે આરોપીઓના નવા સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. આ બંને સ્કેચ ૯૦ ટકા જેટલા મળતા આવે છે. પીડિતાને આ સ્કેચ બતાવવામાં આવતા તેણે આરોપીઓ આવા જ દેખાતા હોવાનું જણાવ્યું છે.

ઉપરાંત આરોપીઓની માહિતી આપનારને રૂપિયા એક લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે.પોલીસના જણાવ્યા પ્રમાણે ટેક્નિકલ ટીમ, એફએસએલ, મેડિકલ ટીમ અને સીસીટીવી ટીમની મદદથી 50 જેટલા શકમંદોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી છે.

આ ઉપરાંત સ્કેચ જેવા દેખાતા યુવકોની પણ પોલીસે અટકાયત કરીને તેમની પૂછપરછ કરી છે.પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે નવલખી મેદાનની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે અહીં કોઈ જાણકાર વ્યક્તિ જ આવી શકે. મેદાનના પાછળનો આખો વિસ્તાર ઝાડી ઝાખરા વાળો છે. એટલે વારંવાર આ વિસ્તારનો ઉપયોગ કરતા હોય તેવા લોકો જ આ કેસમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. આ ઉપરાંત પોલીસે ડ્રોનની મદદથી આખા નવલખી મેદાનનો સર્વે કર્યો છે. એટલું જ નહીં મેદાનના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર લાગેલા સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે આ આખો વિસ્તાર ખાનગી માલિકીનો છે. પોલીસે આ વિસ્તારમાં લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે કોર્પોરેશનને વિનંતી પણ કરી છે.

ભણે છે ગુજરાત, વરવી મજાક: અમદાવાદની આંગણવાડીઓમાં બાળકોના ફળ માટે અપાશે માત્ર એક રૂપિયો

ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. આંગણવાડીમાં બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. જ્યાં પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમજ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકારનાં નવા પરિપત્ર મુજબ બાળકોને આપવામાં આવતાં આહારના મુલ્ય પર સવાલ ઉઠ્યા છે.

સવાલ છે કે શું ખરેખર રાજ્ય સરકાર બાળકોના પોષણ માટે વિચારે છે? અમદાવાદ જિલ્લામાં 1527થી વધારે આંગણવાડી કાર્યરત છે. કેટલીક આંગણવાડી સરકારે બનાવી આપી છે, તો કેટલીક આંગણવાડી માટે સરકાર ભાડું આપે છે. પરંતુ આ જ આંગણવાડીમાં બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે કદાચ સરકાર ચિંતીત નથી.આંગણવાડીમાં બાળકોને યોગ્ય સુવિધા મળે તે માટે પણ અનેક સવાલ છે.

આ સવાલનો જવાબ મેળવવા અમદાવાદમાં રામપીર ટેકરા પાસે આવેલી આંગણવાડીમાં નાનકડાં ઘરના આ દ્દશ્યો ચોંકાવનારા હતા. આંગણવાડીમાં ૨૨ જેટલાં બાળકો ત્યાં પડેલો ખોરાક અને એક નાનકડો રૂમ. આ દ્દશ્યો એ સમજાવી શકે છે કે આખરે આંગણવાડી માટે સરકાર કેટલી ચિંતીત છે.અગાઉ એક બાળક દીઠ 2.50 રૂપિયા ફળ માટે અપાતા હતા જે હવે એક રૂપિયો આપવામાં આવે છે. આ સ્થિતિ સામે અમદાવાદની આંગણવાડીની બહેનો લડી લેવાના મૂડમાં છે.દરરોજ આંગણવાડીની બહેનો સરકાર સામે સવાલ ઉઠાવે છે કે અમને સુવિધા આપો. જેથી અમે સ્લમ વિસ્તારનાં બાળકોનું ભવિષ્ય સુધારી શકીએ. પરંતુ અહીં ન તો ગટરની વ્યવસ્થા છે ન તો પાણીની.

ઉલ્ટાનું સરકાર આંગણવાડી ચલાવવા માટે બહેનોને માત્ર એક હજાર રૂપિયા ભાડું આપે છે. બાળકોને પોષણ મળી રહે તે માટે સરકાર આંગણવાડીની બહેનોને આહાર માટે પૈસા ચૂકવે છે, જેમાં બાળકોને પોષણ મળી રહે તે માટે ફળ પણ આપવામાં આવે છે પરંતુ આંગણવાડીના બહેનોનાં કહેવા પ્રમાણે હવે ફળની ચૂકવવા પાત્ર મુલ્યમાં સરકારે ઘટાડો કર્યો છે, નવા પરિપત્ર મુજબ હવે બહેનોને ૧ બાળક દીઠ એક રૂપિયા ચૂકવવામાં આવશે. આંગણવાડી બહેનોએ બાળકોને સોમવાર અને ગુરુવારે ફળ ખવડાવવાનું રહેશે. આ સાંભળતાં બહેનોને પગ નીચેથી જમીન ખસી ગયાનો અનુભવ થયો છે.

આ અંગે આંગણવાડીનાં કાર્યકર્તા પારુલબેન કડિયાએ કહ્યું કે એક રૂપિયામાં એક દ્રાક્ષ આપવા માટે દુકાનદાર ખચકાશે.કારણ કે એક રૂપિયામાં કોઈપણ ફળ લેવું શક્ય નથી. તો આંગણવાડીના કાર્યકર્તા મિનાક્ષીબેને સ્પષ્ટ જણાવ્યુ કે તેમની પાસે 20 બાળકો ભણે છે. જેમનાં પોષણની જવાબદારી તેમની પાસે છે. પરંતુ એક રૂપિયામાં ફળની વાત કરીને સરકારે મજાક કરે છે. જેના વિરુધ્ધમાં તેઓ વિરોધ કરશે.અને આગામી સમયમાં ધરણાં કરશે. તો અંગે સુભાષબ્રિજનાં કામ કરતાં આંગણગાડી કાર્યકર્તા આશાબેન ભાવસારે પણ સરકાર સામે બાંયો ચડાવવાની વાત કરી છે.

મંદી અને મોંઘવારી વચ્ચે અમદાવાદની આંગણવાડી પીસાઈ રહી છે. આંગણવાડી બહેનોનો સતત આક્ષેપ છે કે આંગણવાડી ચલાવવા માટે તેમને સરકાર મદદ નથી કરતી. જે આંગણવાડી સરકારે બનાવી છે, તેમાં પણ સરકારે નથી આપી કોઈપણ સુવિધા.

આવી જ એક આંગણવાડી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી છે. જ્યાં નથી પાણીની સુવિધા કે નથી ગટરની સુવિધા. બાળકોને જયાં ભણવાય છે, તે જગ્યા પર વેઈટ મશીન પણ છે, પરંત આંગણવાડી બહેનોનાં કહેવા પ્રમાણે વેઈટ મશીન પણ બાળકોનું ખોટું વજન બતાવે છે, જેને કારણે સવાલ ઉભો થાય છે કે બાળકો કુપોષિત છે કે સરકારનું આપેલું વેઈટ મશીન.એટલું જ નહીં તમામ બહેનોનાં પગાર રેગ્યુલર થતાં નથી અને ગરમ નાસ્તાનાં પૈસા પણ નથી મળતાં.

જે અંગે આંગણવાડી કાર્યકર્તા યોગિનીબેન મોદી જણાવે છે કે ’સરકારે જે મેનુ આપ્યુ છે, તેનાં એડવાન્સ પૈસા નથી મળતાં જેને કારણે તેઓ પહેલેથી પરેશાન છે,એમાં એક રૂપયામાં એક ફળ આપવાની વાત કરીને સરકારે ફરી બાળકોની મઝાક કરી છે, તો આ અંગે આંગણવાડી કાર્યકર્તા નંદુબેને રાઠોડે જણાવ્યું કે સરકારને કારણે આંગણવાડીના બાળકોની સાથે તેમનાં બાળકોનું પણ પોષણ જોખમાય રહ્યું છે. કારણ કે આંગણવાડી ચલાવવા માટે તેમની પાસે પૈસા નથી. જેને કારણે તેઓ આગામી દિવસમાં રાજીનામું આપશે.

આઇસીડીએસ ડિપાર્ટમેન્ટના પ્રોગ્રામ ઓફિસર મીનળબેન મહેતાના કહેવા પ્રમાણે જૂના પરિપત્રમાં સરકારે બાળક દીઠ 2.50 ફાળવ્યા હતા જે હવે વધીને 3.15 રૂપિયા થઈ ગયા છે. પરિપત્રમાં જે એક રૂપિયો લખેલો છે જે એક દિવસનો લખેલો છે.અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્રારા ચાલતાં આઇસીડીએસ ડિપાર્ટમેન્ટના પ્રોગ્રામ ઓફિસર મીનળબેન મહેતાના કહેવા પ્રમાણે જૂના પરિપત્રમાં સરકારે બાળક દીઠ 2.50 ફાળવ્યા હતા જે હવે વધીને 3.15 રૂપિયા થઈ ગયા છે. પરિપત્રમાં જે એક રૂપિયો લખેલો છે જે એક દિવસનો લખેલો છે. મહિનાની ગણતરી કરીએ તો 3.15 રૂપિયા એક દિવસનાં ગણી શકાય.

સરકારના નવા પરિપત્ર મુજબ બાળકોને પૌષ્ટિક આહાર આપવાનો પુરો પ્રયાસ છે.. પરંતુ આ પ્રયાસ પાછળ કરવામાં આવતો ખર્ચ અનેક સવાલો ઉઠાવી રહ્યો છે. બાળક દીઠ ફળ માટે એક રૂપિયો આપવો તે બાળકો સાથે મજાક છે કે પછી ખરેખર સરકારને ચિંતા છે, તે સમજવું અઘરું છે.

ફાસ્ટટેગ: સુરતના કાર ચાલકને થયો ચોંકાવનારો અનુભવ, ટોલનાકાથી કાર પસાર થઈ એક વખત, ચાર્જ કપાયો ત્રણ વખત

ટોલ પ્લાઝા પર હજુ ફાસ્ટટેગ સિસ્ટમ શરૂ કરવામાં આવી નથી ત્યાં તો છીંડા નીકળવાના શરૂ થઈ ગયા છે. વાપીથી સુરત આવી રહેલી કારને બોરીયાચ ટોલ પ્લાઝા પર ચોંકાવનારો અનુભવ થયો હતો. ટોલ નાકાથી પસાર થયા બાદ કારના માલિકના અકાઉન્ટમાંથી ત્રણ વખત ટોલનાકાનો ટોલચાર્જ કપાઈ ગયો હતો.

કેન્દ્ર સરકારે ફાસ્ટટેગની મુદ્દત પંદરમી ડિસેમ્બર સુધી લંબાવી છે, ત્યારે કેટલાક ટોલનાકા પર ફાસ્ટટેગની સિસ્ટમ કાર્યાન્વિંત કરવામાં આવી છે. સુરત-વાપીના હાઈવે પર બોરીયાચના ટોલનાકા પર સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા યુવાનને કડવો અને ચોંકાવી નાંખ તેવો અનુભવ થયો હતો. સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા દિનેશ શાહ નિયમીત રીતે સુરત-વાપી વચ્ચે કારમાં અપડાઉન કરે છે. ગઈકાલે શુક્રવારે પણ તેઓ સુરતથી વાપી ગયા હતા અને ટોલ ભરવા માટે બોરિયાચ ટોલનાકાથી પસાર થયા હતા.

ફાસ્ટટેગ મારફત ટોલચાર્જ ચૂકવી દીધો હતો અને તેઓ સુરત આવ્યા હતા. સુરત આવ્યા ત્યાં સુધીમાં ટોલચાર્જ તેમના ખાતામાંથી કપાયો ન હતો. પણ શનિવારે સવારે ઉઠ્યા ત્યારે મોબાઈલમાંથી ચાર્જ કપાયાનો મેસેજ આવ્યો હતો. બોરિયાસ ટોલનાકાથી એક વખત પાસ થવાનો ચાર્જ 60 રીપિયા છે. પણ જ્યારે મેસેજ જોયો તો ત્રણ-ત્રણ વખત ટોલચાર્જ કપાઈ ગયો હતો. આમ તેમના અકાઉન્ટમાંથી એક વખતના 180 રૂપિયા કપાઈ જતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.

દિનેશ શાહે મીડિયાને કહ્યું કે ત્રણ વખત ચાર્જ કપાયા બાદ પણ ટોલની રકમ બાકી એટલે પેન્ડીંગ બતાવવામાં આવી રહી છે. ટોલનાકા પર ફોન કરતાં કોઈ યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો નથી. આવી સમસ્યા માટે કોઈ હેલ્પની સિસ્ટમનો અભાવ જોવા મળી રહ્યો છે. હવે તેમના વધારાના કપાયેલા રૂપિયા કેવી રીતે પરત આવશે તે મસમોટો પ્રશ્ન છે.

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયા કરે છે અને વરસાદ કેડો મૂકતો નથી, ફરીવાર વરસાદની આગાહી

ગુજરાતમાં બિલ્લીપગે શિયાળો જામી રહ્યો છે, આ દરમિયાનમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોથી ડિસેમ્બરે માવઠું થવાની આગાહી કરી છે. દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેને કારણે હવામાનમાં પલટો આવશે. અને ચોથી ડિસેમ્બરે આણંદ, સુરત, ભરૂચ,વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે ચોમાસામાં તો જોરદાર વરસાદ થયો જ હતો ત્યારબાદ કમોસમી માવઠા દરમિયાન પણ રાજયનાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો જેના કારણે ખેતીને ખાસ્સી અસર પડી હતી તેવામાં ફરી એકવાર કમોસમી માવઠાની આગાહીએ ખેડુતોમાં ચિંતા પ્રસરાવી છે આ વખતે કમોસમી માવઠાને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનાં ઘણાં વિસ્તારોમાં ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો અને સરકારને પણ રાહત સહાય જાહેર કરવાની ફરજ પડી હતી.

 

અક્સ્માત ઝોન બનેલો અંબાજીના ત્રિશુલીયા ઘાટનો રસ્તો બંધ, આ છે કારણ

યાત્રાધામ અંબાજી જતો રસ્તો પહેલી ડિસેમ્બર એટલે કે આજથી બંધ થઈ રહ્યો છે. ત્રિશુલીયો ઘાટ પર ગમખ્વાર અકસ્માતને લઈને સરકાર જાગી છે. સૂર્ય ઘાટ સહિત દાંતા અંબાજી માર્ગ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર વારંવાર થતા અકસ્માતોને લઇ ઘાટને કાપીને પહોળો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પહેલી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ માર્ગ બંધ રહેશે.અંબાજી દાતા માર્ગ ફોર લેન કરવામાં આવશે. વાહનચાલકો અને માઇ ભક્તો પણ આ કામગીરીને લઇને ખુશ છે. ત્રિશુલીયો ઘાટ પર ગમખ્વાર અકસ્માતને લઈને સરકાર જાગી છે.

બ્લાસ્ટિંગ કરીને ત્રિસુલીયા ઘાટને તોડવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને માર્ગ બંધ રહેવાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે બિનબહરીફ ચૂંટાઈ આવતા કોંગ્રેસના નાના પટોલે, ભાજપે છેક છેલ્લી ઘડીએ ઉમેદવારી પાછી ખેંચી

કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર બન્યા છે. આજ સુધીની રાજ્ય વિધાનસભાની પરંપરા મુજબ તેઓ બિનહરીફ ચૂંટાયા છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નવા ગઠબંધન મહાવિકાસ અઘાડીએ સંયુક્ત રીતે તેમને સ્પીકર પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા.

આ પહેલા વિપક્ષ ભાજપે છેક છેલ્લી ઘડીએ તેના સ્પીકર પદના ઉમેદવાર કિશન કઠોરેનું નામ પાછું ખેંચી લીધું હતું. પટોલેની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નાના પટોલે ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે તેઓ બધા સાથે ન્યાય કરશે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં અધ્યક્ષની ચૂંટણીને બિનહરીફ કરવાની પરંપરા પણ રહી છે. મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, ‘ભાજપે વિધાનસભા અધ્યક્ષ પદ માટે કિશન કઠોરેની ઉમેદવારી કરી હતી. જોકે, નવા ચૂંટાયેલા ધારાસભ્યોની વિનંતી બાદ અમે તેમની ઉમેદવારી પરત લેવાનો નિર્ણય લીધો છે.

ઉદ્ધવ સરકારમાં કેબિનેટ પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબલે પણ કહ્યું હતું કે, ‘ વિપક્ષે સ્પીકર પદ માટે ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પરંતુ અમારા ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી વિનંતી અને વિધાનસભાની શુદ્ધતા જાળવવા માટે નામ પાછું ખેંચ્યું છે. ‘

કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ગઠબંધન મહાવિકાસ અઘાડી વતી અધ્યક્ષના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. નાના પટોલે ભાજપના પૂર્વ સાંસદ છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સરમુખત્યારશાહીનો આરોપ લગાવી સાંસદ પદેથી રાજીનામું આપીને ભાજપ છોડી દીધો હતો. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

ભાજપે મુરબાડના ધારાસભ્ય કિશન કઠોરેને અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા. જોકે, રવિવારે અંતિમ મુદ્દત (સવારે 10 વાગ્યે) પૂરી થાય તે પહેલાં તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. કિશન કઠોરે અગાઉ કોંગ્રેસમાં હતા. તે બે વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2014માં ભાજપમાં જોડાયા હતા.