આટલી બધી ઠંડી કેમ છે? હવામાન ખાતાના વૈજ્ઞાનિકો પણ છે આશ્ચર્યમાં

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરની ઝપટમાં આવી ગયા છે. દિલ્હીમાં 119 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. સોમવારે દિલ્હીનું વધુમાં વધુ તાપમાન 9.4 ડિગ્રી રહ્યું હતું. દિવસ દરમિયાન પારામાં થયેલો આટલો બધો ઘટાડાએ હવામાન ખાતાના વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધો છે.

રવિવારે આગાહી કરવામાં આવી હતી કે સોમવારે દિવસના તાપમાનમાં થોડો વધારો થવાની ધારણા છે. પવનની દિશામાં પરિવર્તનને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ તાપમાનમાં વધારાની આગાહી કરી હતી. જોકે, સોમવારે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને તાપમાનમાં વધુ ઘટાડો જોવાયો હતો.

હવામાન વિભાગના અનુમાન મુજબ પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફ બદલાઈ ગઈ છે. જોકે, પવનની ધીમી ગતિના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. હવાની ગતિ તેમજ હવામાં હાજર ભેજને લીધે ઠંડી ખૂબ વધી ગઈ છે. આ સાથે સોમવારે પણ દિવસભર ધુમ્મસ રહ્યું હતું, જેના કારણે તાપમાનમાં ઠંડીનું પ્રમાણ વધુ નોંધાયું છે. આ બધી સ્થિતિઓને કારણે દિવસનું મહત્તમ તાપમાન આગાહી કરતાં ઓછું નોંધાયું છે.

હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને તાપમાનમાં ઘટાડોની અપેક્ષા નહોતી. અમે અનુમાન લગાવ્યું હતું કે રવિવારે કરતાં સોમવારના તાપમાનમાં વધારો થશે.