સ્વચ્છ ભારત અભિયાનમાં રાજકોટ અને સુરતે મારી બાજી, દેશભરના શહેરોમાં મળ્યું સ્થાન

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અંગે કરવામાં આવેલા સરવેમાં સુરતે ફરી એક વાર બાજી મારી છે. અત્યાર સુધી સ્વચ્છતાને લઈ સુરતે દેશના અન્ય શહેરોને પાછળ ધકેલી દીધા છે. સુરત ઉપરાંત રાજકોટે પણ સ્વચ્છતામાં મેદાન માર્યું છે.

કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત ચોથી વાર દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઈન્દોરની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણના એપ્રિલથી જૂનના પહેલા ક્વાર્ટરમાં ભોપાલ દેશમાં બીજા સ્થાને રહ્યું છે. જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરની વાત કરીએ તો રાજકોટ અંતિમ પરિણામોમાં બીજા સ્થાને છે.

આ ઉપરાંત 10 લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરોની શ્રેણીમાં જમશેદપુર પ્રથમ ક્રમે આવ્યું. સરવેના પ્રથમ ક્વાર્ટરમાં સુરત અને બીજા ક્વાર્ટરમાં નવી મુંબઈને સ્થાન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા સરવેના પરિણામો મંગળવારે જાહેર કરાયા હતા.

ભારત સરકારે બીજી ઓક્ટોબર 2014 ના રોજ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. હવે તેના પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન સ્વચ્છતાને દેશભરમાં જન આંદોલન બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયત્નોએ પણ તેની અસર દેશના ઘણા શહેરોમાં જોવા મળી રહી છે.