નવા આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેની ઇમેજ કાશ્મીર-ચીનની નસ જાણનારા અધિકારી તરીકેની

ભારતીય ભૂમીદળને પોતાના નવા વડા મળી ગયા છે. મંગળવારે લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ભારતીય સૈન્યનું સુકાન સંભાળી લીધું હતું. નરવણેએ જનરલ બિપીન રાવતનું સ્થાન લીધું હતું, જેઓ 3 વર્ષ સુધી સૈન્ય ચીફ રહ્યા પછી દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) તરીકે નિમાયા છે.

નવી દિલ્હીના સૈન્ય ભવન ખાતે રાવતે પરંપરા અનુસાર બેટન સોંપીને નરવણેને ચાર્જ સોંપ્યો હતો. મુળ મહારાષ્ટ્રના નરવણે મુશ્કેલ મોરચે સફળતા અને શ્રેષ્ઠતમ નેતૃત્વ ક્ષમતા માટે જાણીતા છે. નવા આર્મી ચીફ પોતાના સહકર્મીઓ અને સ્ટાફ સમક્ષ સ્વચ્છ ઇમેજ અને સારા વ્યવહારને કારણે લોકપ્રિય છે. ચીન સાથે જોડાયેલી સુરક્ષા બાબતો પર પણ જનરલ નરવણેની મજબૂત પકડ છે.

મનોજ મુકુંદ નરવણે : સતર્ક અધિકારી અને ઘણાં એવોર્ડથી સન્માનિત

નરવણે અત્યાર સુધી સૈન્યના નાયબ ચીફ હતા. સૈન્યના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે નરવણે હંમેશા એક સતર્ક અધિકારી તરીકે જાણીતા છે. એવું કહેવાય છે કે તેઓ પોતાના જવાનોને પણ ભલે એલઓસી પર શાંતિ હોય છતાં એવા જ સતર્ક રહેવાની શીખ આપતા આવ્યા છે. કોઇ પણ રીતે જવાનને નુકસાન ન થાય એ તેમની પ્રાથમિકતા રહી છે. પોતાની લાંબી કેરિયરમાં નરવણેને ઘણાં સન્માન મળ્યા છે. તેમને સૈન્ય મેડલ, વિશિષ્ટ સર્વિસ મેડલથી પણ નવાજાયા છે.

ચીન સાથે જોડાયેલા મુદ્દાઓ પર નરવણેની મજબૂત પકડ

નવા આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે લાંબા સમય સુધી ચીન સાથે જોડાયેલી સરહદે તૈનાત રહી ચુક્યા છે અને તેમને ચીન સરહદે કામ કરવાનો ખાસ્સો અનુભવ છે. સપ્ટેમ્બરમાં તેઓ સૈન્યના નાયબ વડા બન્યા તે પહેલા સૈન્યની ઇસ્ટર્ન કમાન્ડના વડા રહી ચુક્યા છે. આ ઇસટર્ન કમાન્ડ ચીન સાથે જોડાયેલી અંદાજે 4 હજાર કિલોમીટર લાંબી સરહદની જાળવણી કરીને ત્યાં નજર રાખે છે અને તેના કારણે જ નરવણે ચીન સાથે જોડાયેલા મુદ્દાઓ પર મજબૂત પકડ ધરાવે છે.

જમ્મુ-કાશ્મીર અને નોર્થ ઇસ્ટમાં પણ તૈનાત રહી ચુક્યા છે

મનોજ મુકુંદ નરવણે પોતાની 37 વર્ષના ફરજકાળમાં જમ્મુ-કાશ્મીર અને નોર્થ-ઇસ્ટમાં ઘણાં મહત્વપૂર્ણ પદો પર રહી ચુક્યા છે. તેમણે જમ્મુ-કાશ્મીર રાઇફલ્સ બટાલિયનનું સુકાન સંભાળ્યું હતુ અને પૂર્વ મોરચે ઇન્ફે્ન્ટ્રી બ્રિગેડનું નેતૃત્વ કર્યુ હતું. તેઓ શ્રીલંકામાં મોકલાયેલા ભારતીય શાંતી રક્ષક દળનો પણ હિસ્સો હતા અને 3 વર્ષ સુધી મ્યાંમારમાં ભારતીય દુતાવાસમાં સુરક્ષા વિભાગમાં રહી ચુક્યા છે.