આ પાંચ જગ્યાઓ પર બની શકે છે અયોધ્યામાં મસ્જિદ, સરકારે આપ્યા વિકલ્પો

અયોધ્યામાં સરકારે પંચકોસી પરિક્રમા વિસ્તારની બહાર પાંચ જગ્યાઓ પર મસ્જિદ નિર્માણ માટેના વિક્લપો સૂચવ્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં રાજ્ય સરકારને મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવા આદેશ આપ્યો છે.

મળતી માહિતી મુજબ સરકારે મલિકપુર, ડાભાસેમર ડ્રાફ્ટ, મિર્ઝાપુર, શમશુદ્દીનપુર અને ચાંદપુરમાં મસ્જિદ માટે જમીન જોઈ છે. સૂત્રો કહે છે કે આ જમીનો પર કોઈ પ્રકારનો વિવાદ નથી અને જો મુસ્લિમ પક્ષો આમાંથી કોઈ પણ જમીનને ફાઈનલ કરે છે, તો રાજ્ય સરકારને જમીન સંપાદન કરવામાં અને આપવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

બીજી તરફ અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટના ચૂકાદાની મુસ્લિમ પક્ષોની પુનર્વિચાર અરજીને ચર્ચા વિના ફગાવી દેવામાં આવ્યા પછી બાબરી મસ્જિદ એક્શન કમિટીએ હવે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટીવ પીટીશન દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે કમિટી બાબરીના અવશેષોને મુસ્લિમ સમુદાયને સોંપવા કોર્ટમાં અરજી પણ રજૂ કરશે.

સમિતિના કન્વીનર એડવોકેટ ઝફરયાબ જિલાનીએ જણાવ્યું હતું કે, જો પુનર્વિચાર અરજીની સુનાવણી કરવામાં આવી હોત, તો ત્યાં ચર્ચા હોત કે કોર્ટે 1992માં બાબરીનાં ઢાંચાને તોડી પાડવું ગેરકાયદેસર ગણાવ્યું હતું. તેથી તેના અવશેષો અને અન્ય બાંધકામ સામગ્રી જેવા કે પત્થરો, થાંભલા વગેરે મુસ્લિમોને સોંપવા જોઈએ. કોર્ટમાં અરજી આપીને આ માટેની વિનંતી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે શરિયત મુજબ મસ્જિદ બનાવવા માટે વપરાતી સામગ્રી અન્ય કોઈ મસ્જિદ અથવા બિલ્ડિંગમાં મૂકી શકાતી નથી કે તેનો અનાદર પણ કરી શકાય નહીં. કારણ કે કાટમાળ અંગે કોર્ટમાં કોઈ સ્પષ્ટ આદેશ નથી આવ્યો. તેથી આશંકા છે કે ભય છે કે અવશેષોને હટાવતી વખતે તેનો અનાદર કરવામાં આવે.