ફાફ ટૂ પ્લેસીસ આ કારણોસર ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સુપર સીરીઝનાં વિરોધમાં છે

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસનું માનવું છે કે ક્રિકેટને વધુ ટીમોની જરૂર છે, ઓછી નહીં. આ કારણોસર ડુ પ્લેસીસે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે સૂચિત વન ડે સુપર સિરીઝની ટીકા કરી છે.

પ્લેસીસે કહ્યું, ‘તમે આગળ જોશો કે બિગ -3 વચ્ચેની શ્રેણીમાં શું થાય છે. આ ત્રણેય ટીમો વચ્ચે આમ પણ વધુ મેચો રમવામાં આવી રહી છે. મને લાગે છે કે જો વધુ ટીમો શામેલ કરવામાં આવે તો તે વધુ સારું રહેશે. મારો મતલબ એ છે કે આપણે રમતને આગળ લઈ જવા વિશે વિચારવું જોઈએ.”

પ્લેસીસે એમ પણ કહ્યું હતું કે ટેસ્ટ બિરાદરીમાં સામેલ નવી ટીમોને વધુ મેચ મળતી નથી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટને કહ્યું, ‘ઘણા નાના દેશ છે,  જેઓ વધુ ટેસ્ટ મેચ નથી રમતા. તેઓ ખરેખર ઓછી મેચ રમી રહ્યા છે.”

સેન્ચ્યુરીયન ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 107 રનની શાનદાર જીત બાદ ડુ પ્લેસિસે આ નિવેદન આપ્યું હતું. પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ યજમાન ટીમ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. શ્રેણીની બીજી મેચ ત્રીજી જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાવાની છે.