સુરતના ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસ: પત્ની વેલ્સી, પ્રેમી સુકેતુને નિર્દોષ જાહેર કરાયા

સુરતના સૌથી વધુ ચકચારી દિશીત જરીવાલાની હત્યામાં આજે પુરાવાના અભાવે કોર્ટે પત્ની વેલ્સી, પ્રેમી સુકેતુ અને ડ્રાઇવર ધીરેન્દ્રસિંહને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસ હાઈપ્રોફાઈલ હોવાથી સુરતમાં ભારે ચર્ચામાં રહ્યો હતો. આજે આ કેસનો ચૂકાદો આવી જતાં મુખ્ય આરોપી ગણાતા હતા તેઓ નિર્દોષ જાહેર થયા છે. આ કેસમાં સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ જતાં એડિશનલ સેશન્સ જજ ગોહિલે ફરિયાદ પક્ષ પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ જતા શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.
ચકચારી કેસમાં આજે એક કેસ કાર્યવાહી ચાલી જતા કોર્ટે શંકાનો લાભ આપી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કેસની ફરિયાદ પક્ષે તપાસ પંચમાં તથા સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયા હતા જ્યારે આ કેસમાં નજરે જોનાર સાક્ષીઓ આ અન્ય સાક્ષીઓ તેઓ હોસ્ટાઇલ જાહેર થતા પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યાં છે.

આ કેસની વિગત મુજબ 27 જૂન 2016ના રોજ સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલી સર્જન સોસાયટીમાં દિશિત જરીવાલાની હત્યા તેની પત્ની વેલ્સી જરીવાલાના ઈશારે તેના પ્રેમી સની ઉર્ફે સુકેતુ હર્ષદભાઈ મોદી અને તેના ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ જબરસિંહ ચૌહાણે કરી નાંખી હતી અને કોઇને જાણ ન થાય તે માટે પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં જ વેલ્સી, સુકેતુ અને ધીરેન્દ્રને જેલના હવાલે કરી દીધા હતા.

વેલ્સી અને સુકેતુ લગ્ન અગાઉથી જ એકબીજાના પ્રેમમાં હતાં. પરંતુ દૂર દૂર પણ લોહીના સંબંધમાં ભાઈ બહેન થતાં હોવાથી બન્નેના લગ્ન થઈ શક્યા નહોતા. જેથી સુકેતુ અને વેલ્સીના અલગ-અલગ લગ્ન થઈ ગયાં હતાં. વેલ્સી અને સુકેતુ પોત પોતાના લગ્ન જીવનથી ખુશ નહોતા. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી સુકેતુની પત્ની પણ તેને છોડી પિયર જતી રહી હતી. જેથી સુકેતું અને વેલ્સીને ફરી એક થવા માટે દિશીતનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

કેસમાં શરૂઆતમાં વેલ્સી ફરિયાદી બની હતી અને પોલીસે લૂંટ વિથ મર્ડરની થીયરી પર તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન વેલ્સીના ચહેરા પરથી નકાબ ચિરાતો ગયો ને હત્યાકાંડમાં પોલીસનો સકંજો પ્રેમી સુકેતુ અને ડ્રાઇવર ધીરેન્દ્ર સુધી પહોંચ્યો હતો. આથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસના આરોપી સુકેતુ મોદી, દિશીતની પત્ની વેલ્સી અને ડ્રાઇવર ધર્મેન્દ્ર સહિતના આરોપીઓ સામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં આરોપી સુકેતુથી જુદી રહેતી પત્ની સાક્ષી બની હતી. મૂળ 15 પાનાની ચાર્જશીટ ઉપરાંત કોલ ડિટેઇલ અને 108 પંચોની વિગતો હતી. આમ, પુરાવા સાથેની માહિતી કુલ 238 પાનાની હતી.