આઘાડી સરકારની પિછાડી બળવાના એંધાણ, ઠાકરે કેબિનેટમાં જગ્યા ન મળતા આ નેતાઓ થયા નારાજ

મહારાષ્ટ્ર મંત્રીમંડળના વિસ્તરણને લઈને કોંગ્રેસનાં એક ગ્રુપમાં નારાજગીનું વાતાવરણ છે. કેટલાક નારાજ ધારાસભ્યોએ મલ્લિકાર્જુન ખડગેને મળીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે કેટલાક નેતાઓએ કેન્દ્રીય નેતૃત્વને ગેરમાર્ગે દોર્યું છે.

નારાજ છાવણીમાં પૃથ્વીરાજ ચવ્હાણ, નસીમ ખાન, પ્રણિતિ શિંદે, સંગ્રામ થોપ્ટે, અમીન પટેલ, રોહિતદાસ પાટીલ જેવા કેટલાક નેતાઓ છે. તેમનું કહેવું છે કે કેટલાક નેતાઓએ કેન્દ્રીય નેતૃત્વને ગેરમાર્ગે દોર્યું છે. સત્તા માટે તડજોડ કરનારા કેટલાક ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય હોય તેવા વફાદારોને કેબિનેટથી દુર રાખવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ અજિત પવારે આજે કહ્યું હતું કે ત્રણેય પક્ષોમાં આવેલા પોર્ટફોલિયોના વિશે બધી બાબતો સ્પષ્ટ છે. વિસ્તરણ પછી પણ મંત્રીઓ તેમના પક્ષોને પહેલેથી જ સોંપાયેલા વિભાગોનો કાર્યભાળ સંભાળશ. ફક્ત એક કે બે વિભાગોમાં ફેરબદલ થવાનો છે.

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મંત્રીઓને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ધનંજય મુંડે અને દિલીપ વલસે પાટીલે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. ધનંજય મુંડેને નાણાં મંત્રાલય આપવાની ચર્ચા છે. હસન મુશ્નીફ શરદ પવારની ખૂબ નજીક છે અને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.

2008થી 2010 દરમિયાન મહારાષ્ટ્રના સીએમ રહેલા અશોક ચવ્હાણને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખ પણ કેબિનેટ મંત્રી બન્યા છે, કોંગ્રેસના ધારાસભ્ય કેસી પાડવીએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.