પદ્મ વિભૂષણ રામભદ્રાચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું” હિંસામાં માર્યા ગયેલા લોકોની જેમ પ્રિયંકા ગાંધી પણ શહીદ થઈ જાય “

નાગરિકતા સુધારો અધિનિયમ (CAA)ના વિરોધમાં દેશભરમાં દેખાવો ચાલુ છે. ઉત્તર પ્રદેશમાં  દેખાવો દરમિયાન થયેલી હિંસામાં ઘણા લોકો માર્યા ગયા. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ માર્યા ગયેલા લોકોને કથિત રીતે શહીદ તરીકે ગણાવ્યા હતા. આ અંગે જગદગુરુ રામભદ્રાચાર્યએ વિવાદિત નિવેદન આપ્યું છે. પદ્મ વિભૂષણ રામભદ્રાચાર્યએ કહ્યું કે પ્રિયંકા ગાંધીએ તેમના ઘરે જવું જોઈએ અને પોતે પણ શહીદ થઈ જવું જોઈએ.

ચિત્રકૂટમાં જગદ્ગુરુ રામભદ્રાચાર્યએ રાહુલ અને પ્રિયંકાને નિશાન બનાવતા કહ્યું હતું કે તેઓ ગાંધીના નામે ક્યાં સુધી જીવશે અને ગાંધીજીના નામે રોટલા શેકશે. તેમણે કહ્યું કે, પ્રિયંકા ગાંધી રાજકારણમાં નવી છે, તેમણે આવા રાજકારણથી કોઈ મતલબ રાખવો જોઈએ નહીં. નાગરિકતા સુધારો કાયદો સમગ્ર દેશના હિતમાં છે. આ નિવેદનને લઈને રામભદ્રચાર્યને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધી પાછલા પખવાડિયાથી યુપીમાં માર્યા ગયેલા લોકો અને પોલીસ તથા હિંસા દરમિયાન અસરગ્રસ્ત થયેલો પરિવારોને મળી રહ્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા અને પોલીસની અનેકવાર ચકમક ઝરી રહી છે અને સતત ધર્ષણના બનાવો બની રહ્યા છે.

આ બનાવોને લઈ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યોગી સરકારનો બદલો યુપીની પોલીસ લઈ રહી છે. પોલીસ દ્વારા જે પ્રકારે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે ટીકાને પાત્ર છે. પ્રિયંકા ગાંધીને પોલીસે અસરગ્રસ્ત પરિવારોને મળતા અનેક વાર રોક્યા છે અને લખનૌમાં હેલ્મેટ વિના બાઈક પર જઈ રહેલા પ્રિયંકા ગાંધીના બાઈક સવારને 6 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.