CAAના ડરથી ઘૂષણખોર બાંગ્લાદેશીઓમાં ભાગમભાગ, ભારત છોડીને બાંગ્લાદેશ જઈ રહેલા 350ની ધરપકડ

CAA કાયદાને લઈને થઈ રહેલા હોબાળાની વચ્ચે આવી ઘટનાઓ બની છે કે લોકોએ ભારત છોડીને બાંગ્લાદેશ તરફ વળવાનું શરૂ કર્યું છે. મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો બાંગ્લાદેશ અને ભારતની સરહદ સ્થિત જેનિદા જિલ્લાના મોહેશપુર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાંથી બાંગ્લાદેશમાં પરત ફરી રહ્યા છે.

બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) અનુસાર મહિલાઓ અને બાળકો સહિત 350થી વધુ લોકોને ગેરકાયદેસર રીતે ભારતમાંથી બાંગ્લાદેશ પ્રવેશ કરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતા, જ્યારે છેલ્લા એક મહિનામાં ઘણા લોકો બોર્ડર પર તૈનાત બાંગ્લાદેશી સૈનિકોને ચકમો આપવામાં સફળ રહ્યા છે અને બોર્ડર પાર કરી ગયા છે.

BGBના જવાનોએ જણાવ્યું હતું કે ભારતીય સંસદમાં આ ખરડો પસાર થયા બાદ સરહદની નજીકના લોકો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં પ્રવેશ કરી રહ્યા છે અને તેમાં નોંધપાત્ર વધારો થયો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા મોટાભાગના લોકોએ દાવો કર્યો હતો કે તેઓ આજીવિકા માટે ભારત ગયા હતા પરંતુ તેઓ કોઈ માન્ય દસ્તાવેજો પૂરા પાડવામાં નિષ્ફળ ગયા. BGBના મેજર કમરુલ ઇસ્લામે કહ્યું કે અમે સરહદ પર નજર રાખી રહ્યા છીએ. કોઈને પણ ગેરકાયદેસર રીતે પ્રવેશવા કરવા કે જવાની મંજૂરી નથી. પરંતુ અહીં ઘણા વિસ્તારો ખુલ્લા છે, લોકો અહીં ગેરકાયદેસર આવે છે, અમે ઘણાની ધરપકડ કરી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘણા લોકો મધ્યરાત્રિ અને વહેલી સવારે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં પ્રવેશ કરી રહ્યા છે. એક સ્થાનિકે જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસમાં ઘુસણખોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે BGB નજર રાખી રહ્યું છે. BGBના જવાનો સ્થાનિક લોકોને સમજાવી પણ રહ્યા છે.

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાના મીડિયા સલાહકાર ઇકબાલ શોભન ચૌધરીએ તાજેતરમાં નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) પર કહ્યું હતું કે આ ભારતનો આંતરિક મામલો છે. જોકે, તેમણે કહ્યું કે જો CAA પર બાંગ્લાદેશ વિશે ભ્રમ કે ગેરસમજ ફેલાવવામાં આવશે તો એ અમારા માટે ચિંતાનો વિષય હશે.

પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત હવે ફક્ત અમારું મિત્ર જ નહીં, પરંતુ સર્વકાલિક મિત્ર છે.ચૌધરીએ કહ્યું કે બાંગ્લાદેશને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડવાની જરૂર નથી, જે કટ્ટરવાદ અને આતંકવાદ માટે જાણીતા છે.

નાગરિકતા સુધારો અધિનિયમ અંગે ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. દેશભરના ઘણા રાજ્યોમાં આ કાયદા સામે જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાએ હિંસાના અહેવાલો પણ આવ્યા છે. દિલ્હીના જામિયા વિસ્તારથી શરૂ થયેલા દેખાવો પાછળથી ધીમાં પડ્યાં. ઉત્તર પ્રદેશ સરકારે ઘણા લોકોને અટકાયતમાં લીધા હતા. અને ઉપદ્રવ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરી હતી. પીએમ મોદીએ પણ કાયદાની તરફેણમાં આજે ટવિટર અભિયાન લોન્ચ કર્યું છે.