આર્મી મેન્યુઅલમાં મોટા ફેરાફર: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે વય મર્યાદા 65ની રહેશે

કેન્દ્ર સરકારે આર્મી મેનુઅલમાં મોટો ફેરફાર કર્યો છે. તદનુસાર  ત્રણેય સૈન્ય વડાઓની નિવૃત્તિની મહત્તમ વય 65 વર્ષ રાખવાના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. હવે જો સેના, નૌકાદળ અને વાયુસેનાના વડામાંથી કોઈને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવે છે, તો તેઓ 65 વર્ષની વય સુધી આ પદ સંભાળી શકે છે. નિયમો અનુસાર સૈન્ય વડા મહત્તમ ત્રણ વર્ષ અથવા 62 વર્ષ માટે તેમનું પદ સંભાળી શકે છે, અથવા આ બંનેમાંથી જે પદની મર્યાદા પહેલી પુરી થાય તે રહેશે.

રક્ષા મંત્રાલયે જારી કરેલી અધિસૂચના મુજબ 1954માં સૈન્ય મેન્યુઅલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે જો કોઈ આર્મી ચીફ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે પસંદ કરવામાં આવશે, તો તે 65 વર્ષની વય સુધી સેવા આપી શકશે.

મંગળવારે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ ઐતિહાસિક નિર્ણય લીધો અને સીડીએસ પદ બનાવવાની મંજૂરી આપી. સીડીએસ ત્રણેય સેનાઓથી સંબંધિત તમામ બાબતો માટે રક્ષા મંત્રીનાં મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે સેવા આપશે. આ સાથે સીડીએસ વડા પ્રધાનની આગેવાની હેઠળના ન્યૂક્લિયર કમાન્ડ ઓથોરિટીનાં મેમ્બર પણ રહેશે.

પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ બનશે તેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જોકે, અંદરખાને ચર્ચા થઈ રહી છે કે આર્મી ચીફ જનરલ બિપિન રાવત પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બની શકે છે. સરકાર અને જનરલ રાવત તરફથી આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. જનરલ રાવત 31 ડિસેમ્બર 2019ના રોજ આર્મી ચીફના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે.