RSSનાં વડા મોહન ભાગવત વિરુદ્વ પ્રથમ ફરીયાદ આ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ, જાણો આખો મામલો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.હનુમંત રાવે સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સંઘના નેતાએ એમ કહીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે કે તમામ 130 કરોડ ભારતીય ‘હિન્દુ’ છે.

ભાગવતે 25 ડિસેમ્બરે જાહેર સભામાં કહ્યું હતું કે, ધર્મ અને સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના, જે લોકો રાષ્ટ્રવાદી ભાવના ધરાવે છે અને ભારતની સંસ્કૃતિ અને તેના વારસાને માન આપે છે તે હિન્દુ છે અને RSS દેશના 130 કરોડ લોકો હિંદુ તરીકે છે માને છે.

રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય વી.હનુમંત રાવે પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, “ભાગવતના નિવેદનથી મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખ, પારસીઓ વગેરેની ધાર્મિક ભાનવા દુભાઈ છે અને સાથે જ ભારતીય બંધારણની મૂળભૂત ભાવનાથી વિરુદ્વ પણ આ નિવેદન છે. તેમણે કહ્યું, ‘આનાથી લોકોમાં સાંપ્રદાયિક તણાવ વધશે અને આનાથી હૈદરાબાદમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ પણ થઈ શકે છે.’

એલબી નાગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અશોક રેડ્ડીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસના નેતા તરફથી ફરિયાદ મળી છે અને આ મામલે કાયદાકીય અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે કે કેસ બને છે કે નહીં.