કંડલા પોર્ટની ટેન્કમાં બ્લાસ્ટઃ ચાર લોકોના મોત

કંડલા પોર્ટ ખાતે આવેલી ટેન્ક નંબર-303 નંબરની ટેન્કરમાં અચાનક બ્લાસ્ટ સાથે ભયાનક આગ ભડકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી. આ બ્લાસ્ટનાં કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ૩ લોકોનાં મોત નિપજ્યા હતા અને બે લોકો હજી પણ ગુમ છે. આગની ઘટનાને પગલે ફાયરની 10થી પણ વધારે ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોર્ટ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત પાણીનો છંટકાવ અને ફોમિંગ કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે કંડલા પોર્ટ પર ટેન્ક આવેલી છે. જેના ટેન્ક 303 નંબરની મેથેનોલની ટેન્ક આવેલી છે. જો કે આ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઇ હતી. જ્યારે આ ટેન્ક પર કામ કરી રહેલા લોકો પૈકી ત્રણનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો હજી પણ ગુમ છે. ટેન્ક પર પાંચ લોકો કામ કરી રહ્યા હતા. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તમામનાં શરીરનાં ચીથડા ઉડી ગયા હતા. શરીરની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. ટેન્ટમાં બે હજાર મેટ્રીક ટન મેથનોલનો જથ્થો ભરવામાં આવેલો હતો. તેમાં અચાનક બ્લાસ્ટ સાથે અચાનક ભયાનક આગ લાગી હતી.

ઘટનાને કારણે અફડા તફડી મચી ગઇ હતી. દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ ટ્રસ્ટનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આ ઉપરાંત પોર્ટ તંત્ર અને સ્થાનિત તંત્રના પણ ઉચ્ચે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. ફોમિંગ અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આસપાસમાં અન્ય પણ ઘણી ટેન્ક આવેલી છે. જેના કારણે જો આ આગ કાબુમાં ન આવે તો અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇથેનોલનો પોર્ટ પર બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ઇથેનોલ ડિઝલમાં મિક્સ કરીને તેનું બાયોડિઝલ બનાવવામાં આવતું હોય છે. આ બાયોડિઝલ આધુનિક જમાનાનું ઇંધણ છે. જે ન માત્ર કિંમતમાં જ સસ્તું પડે છે પરંતુ સાથે સાથે ડિઝલ જેટલું એફિશિયન્ટ પણ છે. માટે શીપમાં ફ્યુલિંગ કરતા સમયે આ મિથેનોલ ડિઝલમાં મિક્સ કરવામાં આવે છે. જો કે તે પણ જ્વલંતશીલ પ્રવાહી હોવાનાં કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.