સુરતમાંથી માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 135 બાળકોનું કરાયું રેસ્ક્યુ

સુરતમાંથી  વિવિધ તપાસ એજન્સીઓએ માનવ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે અને રવિવારે વહેલી સવારે સુરતની હાઉસિંગ સોસાયટીમાંથી આશરે 135 બાળકોને બચાવવામાં હતા, જેમને અન્ય રાજ્યોથી સુરતમાં કામ માટે લાવવામાં આવ્યા હતા. ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, દરોડા હજુ પણ ચાલુ છે અને જે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે, તેમને ઘરકામ અને કારખાનાના કામ માટે ગુજરાત લાવવામાં આવ્યા હતા.

આ દરોડા ગુજરાત સીઆઈડી ક્રાઈમ (મહિલા સેલ), ગુજરાત પોલીસ, રાજસ્થાન પોલીસ અને નવી દિલ્હી પોલીસ દ્વારા ‘બચપન બચાવો આંદોલન’  હેઠળ પાડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરતના પૂણા ગામમાં આવેલા પંકજ નગરમાં સીતારામ નગર સોસાયટીમાં ત્રણ બિલ્ડિંગ બ્લોક પર રવિવારે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ દરોડો પાડવામાં આવ્યો હતો. 20 લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે અટકાયત કરાયેલા આરોપીઓ હાઉસિંગ સોસાયટીમાં બાળકો સાથે રહેતા હતા.

135 બાળકોમાંથી 128 રાજસ્થાનના ઉદેપુર અને ડુંગરપુર જેવા શહેરોના છે જ્યારે અન્ય બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડના છે. બચાવેલા બાળકોની વય સરેરાશ આશરે 10 થી 16 વર્ષની વચ્ચે છે.

અધિકારીઓએ કહ્યું કે બાળકોને ઘરેલુ અને કારખાનાના કામ માટે નોકરી આપવી તે જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, 2015 હેઠળનું ઉલ્લંઘન છે, જે બાળ મજૂરી પર પ્રતિબંધ છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે “અમને સુરતમાં હાઉસિંગ સોસાયટીમાં બાળકોની હાજરી અંગેની માહિતી મળી હતી અને અન્ય એજન્સીઓ સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. માનવ તસ્કરીના આ કિસ્સામાં, મોટાભાગના બાળકોના માતાપિતા જાણતા હતા કે તેમના બાળકોને નોકરી માટે ગુજરાત મોકલવામાં આવી રહ્યા છે. રોજગારીના અભાવે અને આર્થિક સંકડામણના કારણે બાળકોને આવી રીતે ગુજરાતમાં દલાલો હસ્તક મોકલી આપવામાં આવ્યા હતા.

જોકે, જુવેનાઇલ જસ્ટીસ એક્ટ મુજબ કોઈ પણ કામમાં 14 વર્ષથી ઓછી ઉંમરના અને ગંભીર, જોખમી કામની સ્થિતિમાં 18 વર્ષથી નીચેના બાળકને નોકરી આપવી ગેરકાયદેસર છે, ”સીઆઇડી ક્રાઇમના એડિશનલ ડિરેક્ટર જનરલ-મહિલા સેલનાં (એડીજીપી) અનિલ પ્રથમે જણાવ્યું હતું. દરોડા દરમિયાન હાજર અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બાળકોને રાજસ્થાનમાં વેચવામાં આવ્યા હતા અને ત્યારબાદ જુદા જુદા જૂથોમાં સુરત લાવવામાં આવ્યા હતા.

20 આરોપીઓ પૈકી એક-એક આરોપી 4-5 બાળકોને સંભાળી રહ્યા હતા અને હાઉસિંગ સોસાયટીના એપાર્ટમેન્ટમાં ભાડેથી રૂમ લઈ રહેતા હતા. થોડા દિવસો પહેલા રાજસ્થાન પોલીસને બચપન બચાવો આંદોલન સેલને આ અંગેની જાણકારી મળી હતી. ગુજરાત પોલીસ સાથે તમામ વિગતો શેર કરવામાં આવી હતી. તે પછી બચપન બચાવો આંદોલન અને સીઆઈડી ક્રાઈમનું દિલ્હી એકમ કાર્યરત થઈ ગયું હતું અને રવિવારે દરોડા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરતના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,  હાલ આરોપીઓના નેટવર્ક વિશે જાણવા પૂછપરછ કરી રહ્યા છીએ.