દિલ્હી ક્રિકેટ એકેડમીની મીટીંગમાં છૂટ્ટાહાથની મારામારી, ગૌતમ ગંભીરે કરી દીધી આવી માંગ

દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં બે પક્ષોએ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. મીટીંગમાં રિટાયર જસ્ટિસ બદર દુરેઝ અહેમદને હટાવવાની માંગ કરવામાં આવી હતી. આ મારામારીમાં ભાજપના ધારાસભ્ય ઓ.પી. શર્માને પણ ઈજા પહોંચી હતી.

ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને ટવિટ કરીને કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે ડીડીસીની મીટીંગમાં તમામ હદો પાર કરી દેવામાં આવી છે. સમગ્ર ડીડીસીએએ શરમજનક કામ કર્યું છે. ગૌતમ ગંભીરે માંગ કરી છે કે ડીડીસીને તાત્કાલિક વિસર્જિત કરવામાં આવે. નાબૂદ કરવામાં આવે અને ઘટનામાં સામેલ તમામ પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે.

મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે આગળની હરોળમાં બેઠેલા કેટલાક લોકો સામે આવી જાય છે અને એકબીજા સાથે ઝપાઝરી કરવા માંડે છે. મારામારીમાં સંડોવેલા બે જૂથોમાં કોણ-કોણ સામેલ છે, તેની ઓળખ હજી થઈ નથી. જોકે, આ મામલો ટૂંક સમયમાં જ ઉકેલી લેવામાં આવ્યો હતો, પરંતુ શરૂઆતમાં બંને પક્ષોએ એકબીજા પર મૂક્કાબાજી કરી હતી.  હજી સુધી સૌરવ ગાંગુલીની આ ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા મળી નથી.

બેઠક બાદ ડીડીસીએ તરફથી નિવેદન આવ્યું છે. જોકે, નિવેદનમાં ક્યાંય વિવાદનો ઉલ્લેખ નથી. ડીડીસીએ તરફથી અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘આભાર સભ્યો. ડીડીસીએ બોર્ડની એજીએમ બેઠકમાં સામેલ તમામ સભ્યોનો આભાર. શિયાળાની મોસમમાં મુલાકાત લેવા બદલ આભાર. બોર્ડનો અભિગમ આગળ વધારવા બદલ આભાર.’

જસ્ટીસ દીપક વર્માની દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) ના નવા લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડીડીસીએ એજીએમમાં રવિવારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે નવા અધ્યક્ષની ચૂંટણી 13 જાન્યુઆરીએ યોજાશે. ડીડીસીએના ડિરેક્ટર સંજય ભારદ્વાજે આઈએએનએસને કહ્યું, ‘અમારા પાંચ મુદ્દા હતા. અમે બધા અમલમાં મૂક્યા છે. કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ વિશેષ ચર્ચા યોગ્ય મુદ્દા નથી.

એજીએમમાં કેટલીક નાટકીય ઘટનાઓ અને હો-હલ્લા પણ થયા હતા. એપેક્સ કાઉન્સિલના સભ્યો સાથે જોઇન્ટ સેક્રેટરી રાજન મનચંદાની પણ ધક્કામૂક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કેટલાક મુદ્દાઓ પર મતભેદ હતા, પરંતુ આ હોવા છતાં એજન્ડા લાગુ કરવામાં આવ્યો હતો.

એજન્ડાના બે મુખ્ય મુદ્દા અકાઉન્ટ સાથે સંબંધિત હતા, જ્યારે એક મુદ્દો બે ડિરેક્ટરની ફરીથી નિમણૂકનો હતો. એક અધિકારીએ કહ્યું કે, “લોકપાલના આદેશ મુજબ 13 જાન્યુઆરી પહેલા અમારે નવા પ્રમુખની પસંદગી કરવી પડશે.” ગૌતમ ગંભીરના આ ટવિટ પછી તે જોવાનું રહે છે કે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી આ અંગે શું નિર્ણય લે છે.