જામનગરના સૌથી યુવા IPS અધિકારી એવાં સફીન હસને એક સમયે IAS બનવાનું નક્કી કર્યું હતું

દેશના સૌથી નાની વયના આઈપીએસ અધિકારી તરીકે 22 વર્ષીય સફીન હસને 23 ડિસેમ્બરે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. દેશના સૌથી યુવા આઈપીએસ બનવાની તેમની યાત્રા સરળ નહોતી, તેમનું બાળપણ ખૂબ જ સંઘર્ષપૂર્ણ હતું. પુત્રના ભણતર માટે સફીનના માતાએ રેસ્ટોરન્ટ્સ અને લગ્ન સમારંભોમાં રોટલી બનાવવાનું પણ કામ કર્યું હતું.

સફીન હસન ગુજરાતના કણોદરા ગામના છે. સફિને ટ્રેનીંગ લીધા પછી જામનગરમાં પહેલી પોસ્ટિંગ મેળવી છે અને 23 ડિસેમ્બરે અહીંના મદદનીશ પોલીસ અધિક્ષક તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમના માતા નસીમબાનુ અને પિતા મુસ્તફા હસન ડાયમંડમાં યુનિટમાં કામ કરતા હતા. સફીને અભ્યાસ માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો.

કુટુંબની આવક જરૂરિયાતોને પૂરી કરી શકે તેવી ન હતી.. પુત્રના ભણતર માટે સફીનની માતાએ રેસ્ટરન્ટ્સ અને લગ્ન સમારંભોમાં રોટલી પણ બનાવી હતી અને સફીનનાં અભ્યાસ માટે ખાસ્સો એવો સંઘર્ષ કર્યો હતો. સફીનનાં નસીબ સારા હતા કે એક ઉદ્યોગપતિ અને સમાજનો ટેકો મળ્યો હતો જેનાથી તે પોતાનાં સ્વપ્ન પૂર્ણ કરી શકે.

સફીને યુપીએસસી પરીક્ષામાં 570 રેન્ક મેળવ્યો હતો. તેમણે આઈપીએસ બનવા માટે ક્વોલિફાય કર્યું હતું પરંતુ આઈએએસ બનવા માંગતા હતા. તેમણે કહ્યું કે હું ફરીથી પરીક્ષામાં બેઠો, પણ પરીક્ષા ક્લિયર કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં મેં નક્કી કર્યું છે કે હું આઈપીએસ અધિકારી તરીકે મારી કારકીર્દિ ચાલુ રાખીશ અને મળેલી તકનો ઉપયોગ દેશની સેવા માટે કરીશ.