હવે રેલવેના કર્મચારીઓ આઠમીથી આંદોલન કરશે, આ છે કારણ

રેલવે મંત્રાલયે તાજેતરમાં રેલવે વ્યવસ્થા પરિવર્તન અંગે જે નિર્ણયો લીધા છે તેનો વિવિધ કર્મચારી મંડળો વિરોધ કરી રહ્યા છે. તંત્રમાં સુધારા કરવા માટે સલામતી વ્યવસ્થામાં ફેરફાર, ખાનગીકરણ, આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન જેવી બાબતો એ મૂળભૂત સમસ્યાનું નિરાકરણ નથી. આ મુદ્દે કર્મચારીઓની વાજબી માગણીઓ મંત્રાલય નહીં સ્વીકારે તો રેલવે યુનિયન તા. 8થી 1મી જાન્યુઆરી દરમિયાન રેલ બચાવો આંદોલન શરુ કરશે.

એનએફઆઈઆરના ઉપાધ્યક્ષ જે.જી.મહુરકરે આક્ષેપ કરતા આ અંગે જણાવ્યુ હતું કે, તાજેતરમાં રેલવે વિભાગમાં નીતિગત ચર્ચા માટે જે સેમિનાર યોજાયો તેમાં રેલવેને અવ્યવસ્થિત કરવા, કર્મચારીઓને અપમાનિત કરવા, તેમની રજા 50 ટકા ઘટાડવાના હેતુસરની નીતિઓની જ ચર્ચા કરવામાં આવી હતી.

રેલવે મંત્રાલયની આ મજૂર વિરોધી નીતિઓને ધ્યાનમાં રાખીને એન.એફ.આઈ.આર. અને એ.આઈ.આર.એફ. સાથે સંલગ્ન ડીસી જે.સી.એમ.ના સભ્યોએ તા. 26મી ડિસેમ્બરે વિભાગીય કાઉન્સિલની જે બેઠક યોજાઇ હતી તેનો બહિષ્કાર કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, રોજ ૨ કરોડ મુસાફરો 12 હજારથી વધુ મેલ કે એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરે છે પણ સરકાર એનએફઆઈઆર અને એ.આઈ.આર.એફ દ્વારા સૂચવાયેલી મહત્ત્વપૂર્ણ સૂચનો, વિચારણાને અવગણી રહી છે. રેલવે મંત્રાલયે કેટલાક ખોટા નિર્ણયો લીધા છે.

આ નિર્ણયોમાં પ્રિન્ટિંગ પ્રેસ, વર્કશોપ જેવી શાખાઓ બંધ કરવાના નિર્ણય ઉપરાંત પહેલાં 10 ટકા અને પછીથી 20 ટકા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો પ્રયાસ મુખ્ય છે. વળી, સલામતી-ઉત્પાદકતા-કાર્યક્ષમતાને લગતી નીતિ વિષયક બાબતોમાં પણ નિષ્ફળતા સાંપડી છે.