-20,-4 ડિગ્રી: દ્રાસથી દિલ્હી અને છેક ગુજરાત સુધી રેકોર્ડ બ્રેક ઠંડી, 12 રાજ્યો ઝપટમાં, 8 રાજ્યોમાં કોલ્ડ ડે, 37નાં મોત

ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક ઠંડીથી જનજીવન થંભી જવા પામ્યું છે. લદ્દાખની દ્રાસ ખીણથી લઈ દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સુધી કાતીલ ઠંડીનુ મોજું ફરી વળ્યું છે. દ્રાસમાં માઈનનસ 20 ડિગ્રી સુધી પારો પહોંચી ગયો છે. દિલ્હીમાં પારો 1.7 ડિગ્રી સુધી આવી ગયું હતું. રાજસ્થાનના શેખાવટીમાં માનઈસ 4 ડિગ્રી નોંધાઈ હતી. ડિસેમ્બરથી અત્યાર સુધી 8 કોલ્ડ ડે અને 7 સિવિયર કોલ્ડ ડે રેકોર્ડ થઈ ગયા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી સહિત ઉત્તરી રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પણ ઠંડો પવન વધવાની શક્યતા છે. જ્યારે બિહાર અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં સિવિયર કોલ્ડ ડેની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અહીં તાપમાન 5-8 ડીગ્રી સેલ્સિયસ સુધી નીચે આવી શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમના હિમાલયના તળેટી વિસ્તાર, પૂર્વી મધ્યપ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સા સહિતના આઠ રાજ્યોમાં કોલ્ડ ડે રહેવાની શક્યતા છે.

ઠંડીની સાથે ઉત્તર અને પૂર્વી ભારતમાં ગાઢ ધુમ્મસ રહેવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 30 ડિસેમ્બર પછી આગામી 4-5 દિવસ સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, ઉત્તરી રાજસ્થાન, ઉત્તર મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓરિસ્સા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ઘણી જગ્યાએ ગાઢ ધુમ્મસના કારણે ટ્રાન્સપોર્ટને અસર થઈ શકે છે.

મળતી માહિતી મુજબ દેશના 12 જેટલા રાજ્યોમાં કાતિલ ઠંડી પડી રહી છે. દિલ્હીમાં ઠંડીએ 120 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આજે દિલ્હીમાં તાપમાન 1.7 ડીગ્રી નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં નદીઓનું પાણી જામી ગયું છે. લાહોલમાં માઈનસ 15 ડીગ્રી તાપમાન નોંધાયું છે. રાજસ્થાન અને માઉન્ટ આબુમાં માઈનસ ત્રણ ડીગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત પંજાબ, હરીયાણા, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. યુપીમાં ઠંડીથી 20 ઝારખંડમાં 8 અને બિહારમાં 9 સહિત 37 લોકોના મૃત્યુ થયા છે.

હાડ થીજાવતી ઠંડીને કારણે જનજીવનને અસર થઈ છે. માનવીને સાથે પશુઓની હાલત પણ કફોડી બની ગઈ છે. ઠંડીને કારણે ટ્રેનો મોડી છે અને વીમાનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. હિમાચલ ક્ષેત્રમાં સતત બરફ વર્ષા અને કાતીલ પવન અને ઠંડી વધી રહી છે.

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અહીં આજે માઈનસ 5.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે. પહલગામમાં માઈનસ 12, ગુલમર્ગમાં માઈનસ 9.5 ડીગ્રી તાપમાન નોંધાયું છે. લેહમાં માઈનસ 20.7 ડીગ્રી નોંધવામાં આવ્યું છે. રાજસ્થાનના ચુરૃમાં માઈનસ 0.6 ડીગ્રી, હરિયાણાના હિસારમાં 0.3 ડીગ્રી અને યુપીના અનેક જિલ્લાઓમાં તાપમાન 6 ડીગ્રી નોંધાયું છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં સીવીયર કોલ્ડવેવની ચેતવણી આપવામાં આવી છે. અહીં તાપમાન 5થી 8 ડીગ્રી સુધી ઘટી શકે છે.

રાજસ્થાનના સિકરમાં માઈનસ 0.8, ચિત્તોડગઢ 1.9, ઉદયપુર 3.2, અજમેર 4 ડીગ્રી, કોટા 4.6 ડીગ્રી, માઉન્ટ આબુ ઝીરો ડીગ્રી તાપમાન નોંધાયું છે. જમ્મુ-કાશ્મીરમાં હાઈવે પર બરફ જામી જતા વાહનોના લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે. હિમાચલમાં પણ આવી જ સ્થિતિ છે. કાશ્મીરના દાલ લેક સહિત કાશ્મીર ખીણના અનેક તળાવો થીજી ગયા છે. પાઈપલાઈનો જામી ગઈ છે. પાણી બરફ થઈ ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હજુ ત્રણથી ચાર દિવસ સુધી કાતિલ ઠંડીનું મોજું રહેશે.