નાગરિકતા કાયદાના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા(PFI)ની ભૂમિકા સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તેના પર પ્રતિબંધ મૂકવાની તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્ય ગુપ્તચર અહેવાલમાં જાહેર થયું કે દેખાવો દરમિયાન થયેલી હિંસામાં PFIની પણ ભૂમિકા હતી.
સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર યોગી આદિત્યનાથ સરકાર PFI પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ ગૃહ વિભાગ આ મામલે દરખાસ્ત કરી રહ્યું છે. રાજ્યમાં દેખાવો દરમિયાન હિંસાના અનેક કેસોમાં PFI નેતાઓ સામે પુરાવા મળ્યા છે.
અત્યાર સુધીમાં લગભગ PFIના 20 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં PFIની રાજકીય શાખા, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રદેશ અધ્યક્ષ નૂર હસનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યની રાજધાની લખનૌમાં પોલીસે PFIના રાજ્ય કન્વીનર વસીમ અહેમદ અને અન્ય અધિકારીઓને શહેરમાં મોટા પાયે હિંસા અને આગજનીના કેસમાં ધરપકડ કરી હતી.
બીજી તરફ PFIના કેન્દ્રીય નેતૃત્વનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ સરકાર PFIને ખોટા આરોપમાં ફસાવી રહી છે. PFIએ કહ્યું છે કે લખનૌ પોલીસે ધરપકડ કરેલા અહેમદની સરકારી સંપત્તિને આગજની કરવામાં કે નુકસાનમાં કોઈ ભૂમિકા નહોતી. PFIના એક અધિકારીએ કહ્યું કે, “આ ધરપકડ આ સમૂહ આંદોલનને દબાવવા અને તેને આતંકવાદી ઘટના તરીકે રજૂ કરવાના મોટા કાવતરાના ભાગ છે.”
નોંધપાત્ર વાત એ છે કે હિંસા દરમિયાન રાજ્યમાં 21 લોકો માર્યા ગયા હતા અને 400 જેટલા લોકો ઘાયલ થયા હતા. વિરોધ દરમિયાન થયેલી હિંસાથી સૌથી વધુ અસર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થઈ હતી, જ્યાં 318 લોકોની ધરપકડ, ગોળીબાર અને સરકારી સંપત્તિના વિનાશ માટે ધરપકડ કરવામાં આવી છે.