હું વન-ડે નહીં, 20-20 રમવા આવ્યો છું ક્રિઝની ચિંતા કરતો નથી: રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ, આજે બિલ્ડર લોબીના જાણીતા સંગઠનના અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ત્રિ-દિવસિય ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોમાં કહ્યું હતું કે મોટા શહેરોમાં મારી એક ઇંચ પણ જમીન નથી અને હું 20-20 રમવા આવ્યો છું, અડધી પીચે જ રમુ છું, કોઇ બિલ્ડર મારા ભાગીદાર નથી કે હું પણ કોઇ બિલ્ડરનો ભાગીદાર નથી એમ જે રાજકીય નિવેદન આપ્યું છે તે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને તેના જુદા જુદા ગૂઢાર્થો આંકવામાં આવી રહ્યાં છે.

રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં ગાહેડ અને ક્રેડાઇ નામના સંઘઠન દ્વારા માં આજથી પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય કેટલાક મંત્રીઓ પણ હાજર રહ્યાં હતા. આ ખાનગી કાર્યક્રમમાં શોનું ઉદઘાટન કર્યા બાદ રૂપાણીએ જરા હટ કે જે નિવેદન આપ્યું તેમાં તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી બન્યો ત્યારે પણ કહ્યું હતું કે હું 20-20 રમવા આવ્યો છું….? એટલે હું ક્રીઝની ચિંતા નથી કરતો. હું તો અડધી પીચે જ રમુ છું. લોકહિતના નિર્ણય લેવામાં ક્યારેય કશાચ રાખી નથી. મારે ક્રીઝની ચિંતા કરવાની જરૂર નથી. હું ઝડપી નિર્ણય લઈ શકું છું. કારણ કે અમદાવાદ, સુરત, વડોદરામાં મારી એક ઈંચ પણ જમીન નથી. (બિલ્ડરલોબીમાં)મારા કોઈ ભાગીદાર પણ નથી, એટલે મને ચિંતા કરવાની આવશ્યકતા નથી.

તેમણે કહ્યું કે, હું સ્પષ્ટ વક્તા છું અને ઝડપથી નિર્ણય લઈ શકું છું. અમારા વિભાગને સૂચના છે કે, દર વર્ષે 100 ટીપી મંજૂરી થવી જોઈએ. હું આવ્યો ત્યારે જ કહ્યું હતું કે, હું વન-ડે રમવા નથી આવ્યો. હું તો 20-20 રમવા આવ્યો છું. 20-20અડધે પીચે જ રમવુ પડે. ક્રીઝની ચિંતા હું કરતો નથી. લોકોના કામ માટે જે થતું હોય તે કરું છું. અમદાવાદની બે-ચાર ટીપી કોમ્પ્લિકેટેડ છે. સળગતામાં હાથ નાંખતા લોકો બીતા હોય છે. સળગતામાં તો મારે પાણી નાંખવું છે. મારે ક્યાં દિવાસળી ચાંપવી છે? આપણે વિકાસને આગળ વધારવાનો છે. ક્યાંય મારી કોઈ જમીન નથી. અહીં બેસેલો કોઈ (બિલ્ડર) મારો ભાગીદાર પણ નથી. આ કારણે ઈમાનદારીથી કામ કરુ છું. મારો કોઈ પર્સનલ એજન્ડા નથી. લોકોનું ભલું એ જ મારો એજન્ડા છે.