ગુજરાત મોડેલનો ફૂગ્ગો ફૂટ્યો: ગૂડ ગવર્નન્સ આપવામાં ગુજરાત છઠ્ઠા નંબરે

કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ગૂડ ગવર્નન્સ ઈન્ડેક્સ (જીજીઆઈ) જાહેર કરવામાં આવ્યા હતાં. આ રેન્કીંગમાં ટોચના 10 મોટા રાજ્યોમાં ગુજરાતને છઠ્ઠો રેન્ક પ્રાપ્ત થયો છે, જ્યારે તમિલનાડુ મોખરાના સ્થાને છે. આરોગ્ય, પર્યાવરણ, ઈન્ફ્રાસ્ટક્ચર સહિત કુલ 10 વિવિધ શ્રેણીમાંથી 9 શ્રેણીમાં રેન્કીંગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 9માંથી પાંચ શ્રેણીમાં ગુજરાત ટોપ-10 માંથી બહાર છે. ઈન્ફ્રાસ્ટ્રકચર અને નાગરિક સુવિધાની શ્રેણીમાં તમિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે છે, પણ કૃષિ, આરોગ્ય, ન્યાયિક અને જાહેર સલામતી તથા પર્યાવરણમાં ગુજરાત 11મા ક્રમે તો સોશિયલ વેલફેરમાં ગુજરાત 12મા ક્રમે છે.

કેન્દ્ર સરકારના એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રીવેન્સીસ વિભાગ તથા સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ દ્વારા જીજીઆઈ જારી કરવામાં આવ્યો છે. તમામ 10 શ્રેણીને આવરી લેતા ગુડ ગવર્નન્સના ઓવરઓલ રેન્કીંગમાં ટોચના ક્રમે તામિલનાડુ છે જ્યારે એ પછીના ક્રમે મહારાષ્ટ્ર અને કર્ણાટક છે, જ્યારે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ પછી છઠ્ઠા ક્રમે ગુજરાત છે. રેન્કીંગમાં તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને મોટા રાજ્યો, ઉત્તર-પૂર્વના રાજ્યો, પર્વતિય રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશ એમ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતાં. ઉત્તર-પૂર્વ અને પર્વતિય રાજ્યોમાં હિમાચલ પ્રદેશ ટોચના ક્રમે છે જ્યારે કેન્દ્રશાસિત રાજ્યોમાં પોંડિચેરી ટોચના ક્રમે છે.

આ રેન્કીંગમાં દક્ષિણ ભારતના રાજ્યોનું વર્ચસ્વ જોવા મળ્યું છે. ઉત્તમ કામગીરી કરનાર ટોચના 10 રાજ્યોમાં ચાર દક્ષિણના છે જ્યારે માત્ર બે ઉત્તર ભારતના છે. કુલ 18 મોટા રાજ્યોના રેન્કીંગમાં તળિયાના ક્રમે ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા અને બિહારનો સમાવેશ થાય છે.

રાજ્ય કક્ષાના  જિતેન્દ્ર સિંઘે ગૂડ ગવર્નન્સ ઈન્ડેક્સ જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યો વહીવટમાં સુધાર માટે પરિણામલક્ષી અભિગમ અપનાવીને યોગ્ય નીતિ અપનાવે તથા તમામ રાજ્યોની વહીવટી દૃષ્ટિએ તુલના કરી શકાય એ આ ઈન્ડેક્સનો હેતુ છે.

કૃષિમાં મધ્યપ્રદેશ ટોચના સ્થાને છે. વાણિજ્ય અને ઉદ્યોગમાં ઝારખંડ ટોચના ક્રમે છે. માનવ સંસાધન વિકાસમાં ગોવા તો આરોગ્યમાં કેરળ ટોચે,. ઈન્ફ્રસ્ટ્રક્ચરમાં તામિલનાડુ તો આર્થિક વહીવટમાં કેરળ, સામાજિક વિકાસમાં છત્તીસગઢ અને ન્યાયિક અને જાહેર સલામતીમાં તામિલનાડુ મોખરે છે. પર્યાવરણમાં પ. બંગાળની કામગીરી ઉત્તમ છે. મોદી સરકાર જેને વિકાસનુ મોડલ ગણાવતી રહી છે, તે ગુજરાત છેક છઠ્ઠા ક્રમે ધકેલાઈ ગયું છે.