સુરતમાં ત્રણ વર્ષની બાળા સાથે રેપ-મર્ડર કેસમાં દોષી અનિલ યાદવને ફાંસની સજા

ગુજરાત હાઈકોર્ટે સુરતમાં ત્રણ વર્ષની બાળા સાથે બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષી આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. ગયા વર્ષે 14 ઓક્ટોબર મહિનામાં બિહારના બક્સરના રહેવાસી અનિલ યાદવે આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો. સુરત પોલીસે અનિલ યાદવની બિહારથી ધરપકડ કરી હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં અનિલ યાદવે ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં તેની હત્યા કરી હતી. ગુનો કર્યા બાદ તે ભાગી ગયો હતો.

બિહારના બકસર જિલ્લાના મણીયા ગામના રહેવાસી અનિલ યાદવે 14 ઓક્ટોબરની સાંજે સુરતમાં તેના પાડોશમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને તેને તેના રૂમમાં બંધ રાખી હતી. રાત્રે તેણે બાળાની તેના જ રૂમમાં બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેની હત્યા કરી હતી અને મૃતદેહને કોથળામાં પેક કરી રૂમમાં સંતાડી દીધી હતી. પોલીસે બાળાનો મૃતદેહ તેના ઓરડામાંથી બહાર કાઢ્યો હતો. બાળા પહેલા માળે પર પરિવાર સાથે રહેતી હતી અને અનિલ યાદવ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર બાળાના માતા-પિતા જ્યારે તેની શોધ કરી રહ્યા હતા, ત્યારે અનિલ યાદવ પોતે પણ તેમને બાળા શોધવામાં મદદ કરી રહ્યો હતો, જેથી તેના પર શંકા ન જાય. પરંતુ પોલીસે સોસાયટીની ચારેબાજુ સીસીટીવી ચેક કરતાં જ તે ત્યાંથી ભાગી ગયો હતો.

31 જુલાઈએ  અનિલ યાદવને પોક્સો સ્પેશિયલ કોર્ટે દોષી ઠેરવીને ફાંસીની સજા સંભળાવી હતી. વિશેષ તપાસ ટીમે તેની સામે ચાર્જશીટ રજૂ કરી હતી. સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો. સરકારી વકીલે આ ગંભીર ગુના માટે ફાંસીની સજાની માંગ કરી હતી. હવે ગુજરાત હાઇકોર્ટે સ્પેશિયલ કોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો છે.