નવસારી: વિજલપોર નગરપાલિકામાં તમાચા કાંડ, પ્રમુખ જગદીશ મોદીને માર મરાયો

નવસારી જિલ્લામાં આવેલી વિજલપોર નગરપાલિકામાં આજે છૂટ્ટાહાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રમુખને ઉપપ્રમુખ દ્વારા લાફા મારવામાં આવતા ભારે દેકારો અને હોબાળો મચી ગયો હતો.

આજે વિજલપોર નગરપાલિકાની મીટીંગ હતી. આમ તો વિજલપોરમાં ભાજપનું શાસન છે પરંતુ પ્રુમુખ જગદીશ મોદી અને ઉપપ્રમુખ સંતોષ પુંડકરનું જૂથ અલગ અલગ થઈ ગયું છે. પાછલા દોઢ વર્ષથી ટેકા-ટૂકીથી પાલિકાનું વહીવટ ચલાવવામાં આવે છે.

આજે જ્યારે મીટીંગ મળી ત્યારે વિજલપોરને નવસારીમાં ભેળવી દેવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. દરખાસ્તની સામે કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે વિજલપોરની આગવી ઓળખ છે. જેથી કરીને ઠરાવ કરતાં પહેલા આ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવે.

કોંગ્રેસના સભ્યની રજૂઆત બાદ ઉપપ્રમુખ સંતોષ પુંડકરે પણ ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ પ્રમુખ જગદીશ મોદીએ સીધો ઠરાવ કરવાની મમત કરતાં મામલો બિચક્યો હતો અને ચર્ચાને લઈ આક્રમક બનેલા સંતોષ પુંડકરે જગદીશ મોદી સાથે ધક્કામૂક્કી કરી લાફા માર્યા હતા. અન્ય સભ્યોએ બન્નેને છૂટા પાડ્યા હતા.

સમગ્ર ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે ફેલાઈ જવા પામ્યો હતો. નવસારી ટાઉનમાં આખીય ઘટના ચર્ચાસ્પદ બની હતી. પ્રમુખ અને ઉપપ્રમુખે બનાવ બાદ મીડિયામાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.