માત્ર વડ એવા ટેટા અને બાપ એવા બેટા નહીં.. બેટી પણ: મુક્કાબાજ પિતાની કુસ્તીબાજ દિકરી

એક પિતાને તો અરમાન હોય જ કે તેનો દિકરો પિતાના પગલે ચાલીને નામ રોશન કરે પણ માત્ર વડ એવા ટેટા અને બાપ એવા બેટા જ કેમ ? બેટી કેમ નહીં !! બેટી પણ બાપ જેવી થઇ શકે, પિતાના પગલે ચાલી શકે. અમદાવાદની રિધ્ધી પરમારે આ વાત સાબિત કરી બતાવી છે.

રિધ્ધીના પિતા હિરેનભાઇ પરમાર બોક્સર રહી ચુક્યા છે અને 1996માં બોક્સિંગમાં રાજ્યકક્ષાએ મેડલ મેળવી ચુક્યા છે. હાલ હિરેનભાઇ કાપડ મીલમાં નોકરી કરે છે. તેઓના સંતાનમા એક દિકરો અને એક દિકરી છે. હિરેનભાઇનો ધો. 9માં ભણતો પુત્ર દક્ષરાજ ખેલમહાકુંભમાં રેસલીગમાં જિલ્લા સ્તરે મેડલ જિત્યો છે તો પુત્રી રિધ્ધી રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ જીતી લાવી છે.

હીરેનભાઇના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેઓ મણિનગર ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના થકી ફાળવાયેલા આવાસમાં રહે છે. દિકરી રિધ્ધી ધો. 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે સાથે રેસલિંગની પ્રેક્ટિસમાં પણ પુરતું ધ્યાન આપે છે.

રિધ્ધીના માતા ફાલ્ગુનીબેન જણાવે છે કે, રેસલિંગને કારણે દિકરીની ફિટનેસ સારી રહે છે અને અભ્યાસમાં પણ એકાગ્ર રહી શકે છે. તેઓ કહે છે કે, વર્તમાન સમયમાં દિકરીની સુરક્ષાની ચિંતા રહેતી હોય છે ત્યારે રિધ્ધી રેસલિંગ થકી સ્વસુરક્ષા કરવા પણ સક્ષમ બની છે.

ફાલ્ગુનીબેન જણાવે છે કે, દિકરી નાનપણથી જ તોફાની અને ઉગ્ર સ્વભાવની છે. આથી તેના પિતાએ તેની શક્તિને રમતના મેદાનમાં કામે લગાડવાનો નિર્ણય કર્યો અને રિધ્ધીને ખેલમહાકૂંભ થકી યોગ્ય દિશા મળી.

રિધ્ધીએ શરુઆતમાં મણીનગરમાં બોક્સિંગની તાલીમ મેળવી હતી. બાદમાં તાલિમ વર્ગ બંધ થતા આગામી તાલીમ માટે દુર જવું પડતું હતું જેના પરિણામે બોક્સિંગ છોડવું પડ્યું હતું. આ તબક્કે રિધ્ધી ખુબ જ નિરાશ થઇ હતી જેની તેના શાળાના અભ્યાસ પર પણ અસર થઇ હતી. બાદમાં રેસલિંગ કોચ વિષ્ણુસરની પ્રેરણાથી તેણી રેસલિંગમા જોડાઇ અને કાઠુ કાઢી રહી છે.

દિકરી રિધ્ધીએ પ્રથમ પ્રયાસે રેસલિંગમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ મેળવતા હિરેનભાઇ ખુશખુશાલ છે. સાથેજ ખેલમહાકુંભ જેવા મંચ થકી દિકરીને રેસલિંગમાં આગળ ધપાવવા કટિબધ્ધ છે.