બિન સચિવાલય પેપર લીક કૌભાંડ: પકડાયેલા આરોપીઓએ આવીરીતે કર્યું હતું પેપર લીક, જાણો વધુ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17મી નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-3ની ભરતી પરીક્ષાને 16મી ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી. બિન સચિવાલય પરીક્ષા મુદ્દે ભારે વિવાદ થયા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ મુદ્દે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ કરવામાં આવી હતી.

બિન સચિવાલય પેપર લીક કૌભાંડમાં પોલીસ દ્વારા પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં મોકલવામાં આવેલી ટીમને મહત્વની સફળતા મળી હતી. તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસે કરેલી તપાસમાં ચોંકાવાનરી વિગતો હાથ લાગી છે. તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું કે દિપક જોષી નામના ઈસમે પેપર લીક કર્યું હતું. દિપક જોષીને પ્રવિણદાન ગઢવી નામની વ્યક્તિએ પેપર મોકલ્યું હતું અને તેણે દાણી લીમડા ખાતે આવેલી એમએસ પબ્લીક સ્કૂલના સંચાલક ફારુક અને સ્કૂલના આચાર્ય વિજેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક કર્યો હતો. પરીક્ષાના દિવસે સવારે રૂબરૂ જઈને પોતાના મોબાઈલ ફોનમાં પેપરના ફોટા પાડ્યા હતા. ત્યાર બાદ પ્રવિણ દાન ગઢવીએ દિપક જોષીને પાલીતાણા ખાતે રહેલા પોતાના સાળા રામભાઈ ગઢવીનો સંપર્ક કરવાનું કહ્યું હતું. પાલીતાણામાં દિપક જોષી અને રામભાઈ મળ્યા અને બન્નેએ મોબાઈલમાં પેપરના ફોટા પાડ્યા હતા. વિજેન્દ્રસિંહ વાઘેલા પોતે પરીક્ષા આપવાનો હોવાથી રજા પર હોવા છતાં એમએસ સ્કૂલ પર આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફારુકે વિજેન્દ્રસિંહની ઓળખાણ શિક્ષક ફકરૂદ્દીનઘડીયારી સાથે કરાવી હતી. ફકરૂદ્દીન પરીક્ષા સમયે સ્કૂલમાં સુપરવાઈઝર તરીકે નિમાયો હતો. ટ્રસ્ટની ઓફીસમાં સીલબંધ પેપરના બંડલ પૈકી એક બંડલ પ્રવિણદાન ગઢવીને આપ્યું હતું. પ્રવિણદાને ત્યાર બાદ પેપર વિજેન્દ્રસિંહ આપ્યું હતું અને વિજેન્દ્રસિંહ પેપર લઈને પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. પેપર લઈને ત્યાર બાદ પ્રવિણદાન દુજરાત યુનિવર્સિટી પાસે ગયો હતો અને લખવીંદરસિંગ સીધુંને પેપર આપ્યું હતું.

પકડાયેલા આરોપીઓ…

ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય વર્ગ -3ની પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમિયાન મોટા પ્રમાણમાં ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા હતા. જે બાબતે ઉમેદવારો અને કોંગ્રેસ પક્ષદ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. જેના પગલે સરકારે પરીક્ષા રદ્દ કરીને સીટની રચના કરવામાં આવી હતી. તપાસ કરવા માટે સીટની રચના કરવામાં આવી હતી. સીટ દ્વારા સીસીટીવી, વીડિયો ક્લિપ્સ, વ્હોટ્‌સએપ અને કોલ રેકોર્ડિંગનાં આધારે તપાસ ચાલુ કરવામાં આવી હતી.

સીટમાં ચેરમેન તરીકે અગ્ર સચિવ કમલ દયાણી અને સભ્યો તરીકે રેન્જ આઇજી મયંક સિંહ ચાવડા, આઇબી વડા મનોજ શશીધર અને પ્રોટોકોલ વિભાગનાં સચિવ જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ સમગ્ર કૌભાંડને બહાર લાવનાર યુવરાજસિંહ સહિતનાં પાંચ યુવાનોની મદદ પણ કેટલાક કિસ્સાઓમાં લેવાઇ હતી. આમ પરીક્ષા રદ થયાનું એસઆઇટીમાં પૂરવાર થયાના 10 દિવસ બાદ આરોપીઓ પોલીસને હાથ લાગ્યા છે.

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટી ગયાના આક્ષેપો થયા બાદ રાજ્યના પાંચ જિલ્લામાંથી ગેરરીતિની કુલ 39 ફરિયાદ આવી હતી. પરીક્ષાર્થીઓના આગેવાનોએ રાજ્ય સરકારને તપાસ માટે 10 મોબાઈલ ફોન પણ આપ્યા હતા. આ તમામ મોબાઈલમાં પરીક્ષાનું પેપર ફૂટ્યાના તેમજ ચાલુ પરીક્ષામાં ગેરરીતિઓ થતી હોવાના પૂરાવા એકત્ર કરાયા હતા.

એસઆઇટી દ્વારા આ તમામ ફરિયાદો અંગે તપાસ કરવામાં આવી હતી અને અંતે રાજ્ય સરકારને પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ હતી.આ પેપર ફૂટ્યાનું ફલિત થતાં જ રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ ચોથી ડિસેમ્બરથી ગાંધીનગરમાં એકત્ર થવા લાગ્યા હતા.

પહેલા દિવસે તેમની પર લાઠીચાર્જ કરાયો હતો અને તેમના આગેવાન યુવરાજસિંહ ગોહિલ અને યુવરાજસિંહ જાડેજા સહિતનાને અટકમાં લેવાયા હતા. જો કે, પાંચમીડિસેમ્બરથી તો રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગાંધીનગર એકત્ર થવા લાગ્યા હતા અને રાત્રે કડકડતી ઠંડીમાં પણ સચિવાલય પાસે બેસી રહીને વિરોધ દર્શાવ્યો હતો. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા રદ કરવાની એક જ માગણી વારંવાર દોહરાવતા રાજ્ય સરકાર પર દબાણ આવ્યું હતું અને સરકારે ૧૬ ડિસેમ્બરે પરીક્ષા રદ કરી હતી.