હિન્દુ ધર્મ વિશે મોહન ભાગવતનું મોટું નિવેદન: કહ્યું “ભારતના તમામ 130 કરોડ લોકોને RSS હિન્દુ માને છે”

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે હિન્દુ ધર્મ વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સંઘ ભારતના તમામ 130 કરોડ લોકોને હિન્દુ સમાજ માને છે, ભલે તેઓ અન્ય ધર્મ કે સંસ્કૃતિનાં હોય. ધર્મ અને સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના, જે લોકો રાષ્ટ્રવાદી ભાવના ધરાવે છે અને ભારતની સંસ્કૃતિ અને તેના વારસાનો આદર કરે છે તે હિન્દુ છે અને આરએસએસ દેશના 130 કરોડ લોકોને હિન્દુ માને છે. તેમણે કહ્યું કે આખો સમાજ આપણો છે અને સંઘનો ઉદ્દેશ સંગઠિત સમાજ બનાવવનો છે.

આરએસએસના વડાએ કહ્યું હતું કે ‘ભારત માતાના પુત્ર ભલે ગમે તે ભાષા બોલે, પછી ભલે તે કોઈ પણ ક્ષેત્રના હોય, કોઈ પણ સ્વરૂપમાં પૂજા કરે અથવા કોઈ પણ પ્રકારની પૂજામાં માનતા ન હોય પણ તેઓ બધા હિન્દુ છે. આ રીતે  ભારતના તમામ 130 કરોડ લોકો સંઘ માટે હિન્દુ સમાજ છે.

મોહન ભાગવતે કહ્યું કે આરએસએસ દરેકને સ્વીકારે છે, તેમના વિશે સારો વિચાર કરે છે અને તેમને સુધારણા માટે ઉચ્ચ સ્તર પર લઈ જવા માંગે છે. બુધવારે તેલંગણાના આરએસએસ સભ્યો દ્વારા આયોજિત ત્રણ દિવસીય વિજય સંકલ્પ શિબિરમાં મોહન ભાગવત ઉપસ્થિત લોકોને સંબોધન કરી રહ્યા હતા.

રવિન્દ્રનાથ ટાગોરના નિબંધનો ઉલ્લેખ કરતાં મોહન ભાગવતે કહ્યું કે બ્રિટિશ લોકોને મોટી આશા છે કે જેને હિન્દુ કહેવામાં આવે છે તેઓ બીજા છે જેને મુસ્લિમો કહેવામાં આવે છે તેઓ અલગ છે. બન્ને અંદરો અંદર લડશે અને ખતમ થઈ જશે. પરંતુ બ્રિટિશરો યાદ રાખો, આવું ક્યારેય બનતું નથી. આવા સંઘર્ષોમાંથી જ સમાજ ઉકેલ શોધશે.

તેમણે કહ્યું, કે પ્રચલિત વાક્ય  છે કે વિવિધતામાં એકતા છે. પરંતુ આપણો દેશ એક ડગલું આગળ વધે છે. વિવિધતામાં માત્ર એકતા નહીં પણ એક્તામાં વિવિઘતા છે. અમે વિવિધતામાં એકતાની શોધમાં નથી, અમે વિવિધતા જે એકતામાંથી નીકળી છે તેની શોધી રહ્યા છીએ.