મહારાષ્ટ્રનું એક માત્ર ડિટેન્શન સેન્ટર બંધ, NRCના વિરોધને પગલે ઉદ્વવ ઠાકરેએ કર્યો નિર્ણય

નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (NRC) સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. NRC અને CAA પર વિરોધ પક્ષો સરકારની સામે એકઠા થયા છે. દરમિયાનમાં મહારાષ્ટ્રનું એક માત્ર ડિટેન્શન સેન્ટર ઠાકરે સરકારના NRCના વાંધાના કારણે બંધ કરાયું છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ડિટેન્શન સેન્ટર નહીં બનાવવાની જાહેરાત કરી છે. 23 ડિસેમ્બરે મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ઠાકરેએ આ પ્રમાણેની ખાતરી આપી હતી. જાણીતું છે કે મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ માટે ડિટેન્શન સેન્ટર બનાવવાની વાત થઈ હતી.

મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર રોક લગાવી દીધી છે અને મહારાષ્ટ્ર મુસ્લિમ પ્રતિનિધિમંડળના સભ્યોને ખાતરી આપી છે કે તેઓ સીએએનો વિરોધ કરે છે. તનેને જણાવી દઈએ કે ફડણવીસ સરકારે ગૃહ મંત્રાલયની મંજૂરી લીધા પછી દેશમાં ગેરકાયદેસર રહેતા લોકો માટે મહારાષ્ટ્રમાં ડિટેન્શન સેન્ટર બનાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, હવે ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે મહારાષ્ટ્રમાં કોઈ પણ ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવશે નહીં.

CAAઅને NRCને લઈને દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. વિરોધ પક્ષો સક્રીય થતાં આ આંદોલનને વધુ વેગ મળ્યો છે. આ મુદ્દે વિપક્ષના તમામ પક્ષો એકત્રીત થતા જોવા મળી રહ્યા છે. 23 ડિસેમ્બરે, કોંગ્રેસે નાગરિકત્વ સુધારો અધિનિયમ સામે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના નેતૃત્વમાં મહાત્મા ગાંધીના સ્મારક સ્થળ રાજઘાટ ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ગુલામ નબી આઝાદ સહિત કોંગ્રેસના વિવિધ નેતાઓ હાજર રહ્યા હતા.

CAA અને NRC અંગે દેશની રાજધાની દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં પણ હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. દિલ્હીના જામિયા અને જાફરાબાદ-સીલમપુર વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસ ચોકી અને સુરક્ષા દળો સાથે ઘર્ષણ થયા હતા અને અનેક વાહનોને સળગાવી દીધા હતા અને ઉત્તર પ્રદેશમાં પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. યુપીના અનેક જિલ્લાઓમાં દેખાવકારોએ પોલીસ ચોકી સહિત જાહેર અને ખાનગી વાહનોને આગ ચાંપી દીધી હતી.