સરકારી ભરતી: યુવાનો ગુમાવશે મસમોટી તક, 29મી ડિસેમ્બરે એક સાથે ચાર પરીક્ષા

સરકારી ભરતી માટે લેવાનારી પરીક્ષાઓના મામલે શિક્ષણ ખાતાના વિભાગો વચ્ચે સંકલનનો  અભાવ જોવા મળી રહ્યો છે. આના કારણે 29મી ડિસેમ્બરે એક સાથે ચાર ભરતી પરીક્ષા યોજાવાની છે. જેના કારણે ચારેય પરીક્ષા માટે અરજી કરનારા લાખો યુવાનોને ભરતી પરીક્ષા માટે નિયમ મુજબ ફી ભરી હોવા છતાં કોઈ એક જ પરીક્ષાની તક મળશે જે અન્યાયકર્તા છે. ગુજરાતના મુખ્યમંત્રીને આ સંદર્ભેનો પત્ર ગુજરાત કોંગ્રેસે લખ્યો છે અને માગ કરી છે કે, યુવાનોને જુદી જુદી પરીક્ષા આપવાની તક મળવી જોઈએ.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 29મી ડિસેમ્બરે કાર્યાલય અધિક્ષક અને કચેરી અધિક્ષક અને અધિક્ષકની બે પરીક્ષા લેવાશે. જેમાં 1.5 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. આ જ દિવસે વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે. જેમાં 94464 ઉમેદવારોએ અરજી કરી છે. વડોદરા એમએસ યુનિવર્સિટી દ્વારા જીસ્લેટ-2019ની પરીક્ષા એ જ દિવસે યોજાશે.

આ ઉમેદવારો દરેક સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે. ગૌણ સેવા પસંદગી મંડળ અને કૃષિ યુનિવર્સિટીમાં ક્લાર્કની ભરતી માટે ફોર્મ ભરનારા ઉમેદવારો ચારમાંથી એક જ પરીક્ષા આપી શકશે. આમ બાકીની ત્રણ પરીક્ષા આપવાની તક યુવાનો ગુમાવશે. રાજ્ય સરકારના વિવિભ વિભાગોમાં એકબીજા વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે. યુવાનોને વધુ પરીક્ષા આપવાની તક મળે તે માટે સરકારે તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે સંકલન કરવું જોઈએ તેવી માગણી કોંગ્રેસે કરી છે.