વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અરુંધતી રોય વિરુદ્વ ફરીયાદ

લેખિકા અને સામાજિક કાર્યકર્તા અરુંધતી રોયે બુધવારે મોદી સરકાર પર આકરા પ્રહાર કરીને એનપીઆર પર વિવાદિત નિવેદન આપ્યું હતું. આને લઈને તેમની સામે દિલ્હીની સુપ્રીમ કોર્ટના એડવોકેટ રાજીવ કુમાર રંજન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વકીલે કહ્યું કે અરુંધતીએ લોકોને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) ના ડેટા એકત્રિત કરવા આવેલા સરકારી અધિકારીને ખોટી માહિતી આપવા કહ્યું હતું.

સીઆરએના વિરોધમાં દિલ્હી યુનિવર્સિટીમાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓ સાથે એકતા દર્શાવવા માટે અરૂંધતી રોય બુધવારે પહોંચ્યા હતા. તેમની સાથે ફિલ્મ અભિનેતા ઝીશાન અયુબ અને અર્થશાસ્ત્રી અરૂણ કુમાર પણ નોર્થ કેમ્પસમાં પહોંચ્યા હતા.

આ દરમિયાન અરૂંધતી રોયે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે સરકાર એનઆરસી અને ડિટેન્શન સેન્ટર મુદ્દે સતત ખોટું બોલી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ વિષય પર દેશની સામે ખોટા તથ્યો રજૂ કર્યા છે. જ્યારે કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ સરકારની સામે અવાજ ઉઠાવે છે, ત્યારે આ વિદ્યાર્થીઓને અર્બન નક્સલ કહેવામાં આવે છે.

અરુંધતી રોયે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) વિશે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે એનપીઆર પણ એનઆરસીનો એક ભાગ છે. જ્યારે સરકારી કર્મચારીઓ તમારા ઘરે એનપીઆર માટે માહિતી માંગવા આવે, ત્યારે તેમને તમારું નામ રંગા બિલા-કુંગફુ કુટલા જણાવો. તમારા ઘરનું સરનામું આપવાને બદલે, કૃપા કરીને પીએમનું ઘર સરનામું લખાવો.

આ દરમિયાન તેમણે સરકારની ખૂબ જ કડક ટીકા કરતા કહ્યું હતું કે જ્યારે ઉત્તર પૂર્વમાં પૂર આવે છે ત્યારે માતા પોતાના બાળકોને બચાવતા પહેલા તેની નાગરિકતા સાથેના દસ્તાવેજો સાચવે છે, કારણ કે તે જાણે છે કે પૂરમાં કાગળ વહી જશે તો પછી એને અહીંય રોકાવું પણ મુશ્કેલ બનશે.

નોંધનીય છે કે જેએનયુમાં 30 વર્ષથી પ્રોફેસર રહેલા અર્થશાસ્ત્રી અરૂણ કુમારે વિદ્યાર્થીઓને શિક્ષણ અને રોજગાર સંબંધિત સરકારી પ્રશ્નો પૂછવા કહ્યું હતું. અરુણ કુમારે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા પતન પામી છે, વિકાસ દર સાડા ચાર ટકા પર પણ ટકી શક્યો નથી અને આ હકીકતને છુપાવવા માટે આવા કાયદા લાવવામાં આવી રહ્યા છે.