બાબરી મસ્જિદ એક્શન કમિટીએ SC પાસે માંગ કરી, ‘મસ્જિદના અવશેષો અમને સોંપવામાં આવે’

બાબરી મસ્જિદ એક્શન કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી માંગ કરી છે કે મસ્જિદના અવશેષો સમિતિને આપવામાં આવે. બાબરી એક્શન કમિટી સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે બાબરી મસ્જિદનો ભાગ હજી ત્યાં મોજુદ છે.

બાબરી એક્શન કમિટી સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે અયોધ્યા રામ જન્મભૂમિ કેસની સુનાવણી દરમિયાન મસ્જિદના અવશેષોનું શું થશે તેનો ઉલ્લેખ ક્યારેય કરવામાં આવ્યો નથી. તેથી જ્યારે અવશેષો દૂર કરવામાં આવે, ત્યારે સમિતિને સોંપવામાં આવે.

બાબરી એક્શન કમિટી અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટીવ અરજી પણ કરવા જઇ રહી છે. ક્યુરેટીવ અરજી સાથે અન્ય અરજી પણ કરવામાં આવશે અને તેમાં બાબરી મસ્જિદના અવશેષો સોંપવાની માંગ પણ કરવામાં આવશે.

આ પહેલા 2 ડિસેમ્બરે અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં પહેલી રિવ્યુ પીટીશન કરવામાં આવી હતી. પક્ષકાર એમ સિદ્દીકીએ કોર્ટમાં 217 પાનાની રિવ્યુ પીટીશન દાખલ કરી હતી. સિદ્દીકીએ માંગ કરી કે બંધારણની બેંચના આદેશ પર રોક લગાવવામાં આવે, જેમાં અદાલતે વિવાદિત જમીનને રામ મંદિરની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.