બનાસકાંઠામાં આટલા ટકા તીડને મારી નંખાયા, ખેતરોમાં મરેલા તીડોના ઢગલા

બનાસકાંઠા જિલ્લાના થરાદ-વાવ-રાડકા સહિતના વિસ્તારોમાં થયેલા તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને નુકશાન તથા સર્જાયેલી વિકટ સ્થિતીને પહોચી વળવા રાજ્ય સરકારે સઘન આયોજન હાથ ધર્યુ છે. કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવે આ આયોજન તથા તીડ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે હાથ ધરાયેલા પગલાંઓની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.

રાજ્યના કૃષિ-સહકાર અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે આ સંદર્ભમાં જણાવ્યું કે, થરાદ તાલુકાના ચાર ગામોની આસપાસ મોટા પ્રમાણમાં જોવા મળેલા તીડનો ભારત સરકારના લોકસ્ટ કંટ્રોલની 19 ટીમ તથા રાજ્ય સરકાર અને સ્થાનિક રપ ટ્રેકટર દ્વારા માઉન્ટેડ સ્પ્રેયરથી દવા છંટકાવ કરીને 25 ટકા તીડનો તો નાશ પણ કરી દેવામાં આવ્યો છે. કૃષિના અધિક મુખ્ય સચિવે કહ્યું કે, આ તીડના આક્રમણને પરિણામે અંદાજે 3-4 હજાર હેકટર વિસ્તારમાં પાક નુકશાનની સંભાવના જણાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા નુકશાન વાળા ખેડૂતોને સહાય આપવાના દિશા નિર્દેશો કૃષિ વિભાગને આપેલા છે. તદ્દઅનુસાર રાજ્ય સરકાર સરવે કરીને એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ મુજબ નુકશાની સહાય આપશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

તીડ આક્રમણ તેમણે ઉમેર્યુ કે ખેતીવાડી ખાતાની ફિલ્ડની ટીમો દ્વારા તીડ ની હાજરી અંગે સતત ટ્રેકિંગ કરવામાં આવે છે. અને રાત્રે જ્યાં તીડનું ઝુંડ સેટલ થાય તેનું લોકેશન ગુજરાતની ટીમો દ્વારા રાત્રે શોધી ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમો તથા ટ્રેકટર માઉન્ટેડ ગુજરાતની ટીમોનું દળ બનાવી વહેલી સવારે 7થી 11 કલાક સુધી દવા નો છંટકાવ કરી તીડોનું નિયંત્રણ કરવામાં આવે છે.24/12 સુધી લોકસ્ટ કંટ્રોલ ટીમની મદદથી કુલ 1815 હેક્ટરમાં જંતુનાશક દવા મેલાથીઓન 96% નો છંટકાવ કરી તીડનું નિયંત્રણ કરવામાં આવેલું છે. આજે થરાદના ચાર ગામોમાં 3000 હેકટર વિસ્તારમાં તીડ નિયંત્રણ કામગીરી કરાઈ છે. મેલેથીયોન 96 ટકા દવા ખૂબ જ ઝેરી પ્રકારની હોય જ્યાં પડતર વિસ્તાર હોય અને તીડોએ રાતવાસો કર્યો હોય ત્યાં છંટકાવ કરવામાં આવે છે. આજુબાજુના વિસ્તારના લોકો જાતે અથવા તો પશુ લઈ દવા છંટકાવ વાળા વિસ્તારમાં ન આવે તે માટેની તકેદારી પણ રખાય છે એમ અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું.

તેમણે એમ પણ જણાવ્યું કે બપોર પછી દિવસ દરમિયાન તીડ ઊંચા ઉડતા હોય છે જેથી આ સમયે તેનું નિયંત્રણ કરવું શક્ય બનતું નથી. રાત્રીના સમયે તેઓ બેસી જાય છે પરંતુ રાત્રિના સમયે તીડ દ્વારા તેના શરીર પરના છિદ્રો સંકોચી લેવામાં આવે છે અને શ્વસનક્રિયા ધીમી હોય છે જેથી રાત્રિના સમયે દવા છંટકાવ કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ મેળવી શકાતું નથી. આથી સવારે સૂર્યોદય પછી દવા છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવે છે. તીડ નિયંત્રણ માટે બનાસકાંઠા અને કચ્છમાં ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ કચેરીઓ કાર્યરત છે અને રાજ્ય સરકાર તેની સાથે સતત સંકલનમાં છે. તીડનું ઝૂંડ જણાય તેની ટ્રેકિંગની કામગીરી ફિલ્ડ સ્ટાફ મારફત કરવામાં આવી રહી છે રાત્રે આ ઝુંડ જ્યાં સેટલ થાય તે અંગેની માહિતી ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમ સાથે શેર કરી વહેલી સવારે નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે, પવનની દિશાના આધારે તીડનું ઝુંડ ગતિ કરે છે અને રાત્રીના સમયે સેટ થાય છે. હાલ પવનની દિશાના આધારે થરાદ તાલુકાના આંતરોલ, રડકા, અજાવાડા અને નારોલી ગામની આજુબાજુ જોવા મળેલા તીડ રાજસ્થાન બાજુ પવનની દિશાના આધારે એ તરફ ગતિ કરે છે અને દિશા બદલાતા ફરીથી આ વિસ્તારમાં આવી જાય છે. હાલ છુટા છવાયા ટોળા દાંતા, સુઇગામ, દાંતીવાડા, વડગામ તાલુકામાં પણ જોવા મળી છે. તીડનો આ ઉપદ્રવ હજુ થોડા દિવસ રહેવાની શક્યતા છે. સમગ્ર તંત્ર તેના નિયંત્રણ માટે કાર્યરત છે. કલેકટર અને જિલ્લા તંત્રને તેના નિયંત્રણ અંગેની કામગીરી કરવા માટે તમામ પ્રકારની શક્યતાઓને ધ્યાનમાં લઇ યોગ્ય લાગે તે સ્ટાફ સાધનો દ્વારા કામગીરી કરવા મંજૂરી આપવામાં આવી છે તેમ પણ કૃષિ અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું.