ભાજપના માથે હેલ્મેટનું ટેન્શન: પાંચ રાજ્યોની હાર અને પાંચ મહાનગરપાલિકાની આવી રહેલી ચૂંટણી

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ,મહારાષ્ટ્ર અને હવે ઝારખંડમાં ભાજપની હારનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસને મળેલી બહુમતિ ભાજપ માટે ચિંતાપ્રેરક છે. કાશ્મીરથી 370ની નાબૂદી, રામ મંદિરનો ચૂકાદો, એનસીઆર, સીએએ અને હવે એનપીઆર જેવા મહત્વના વર્ષો જૂના મુદ્દા હોવા છતાં ભાજપ માટે સ્થિતિ કફોડી બની. એક સાથે એટલી બધી લોક ગણતરી કરવાનું શરૂ કરી દેવામાં આવી છે કે લોકો પણ ગૂંચવણમાં પડી ગયા છે. એનસીઆરની તૈયારી કરીએ કે એનપીઆરની તૈયારી કરીએ. સરકાર ઝડપથી કામ કરે છે પણ એવું કહેવાય છે કે અતિ ઝડપ અકસ્માત નોતરે છે. બસ, ભાજપ માટે આવું જ કશું બની રહ્યું છે.

ગુજરાતમાં હેલ્મેટનું ઘમ્મરવલોણું ફરી બેઠું થયું છે. આગામી કેબિનેટમાં સરકાર માથે હેલ્મેટના કાયદાનું પાલન કરવાનું ટેન્થન આવી ગયું છે. વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ કહી દીધું છે કે વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાની માનસિક્તા ધારણ કરવી જ પડશે.

હેલ્મેટની રાજકીય ગણતરી કરીએ તો આ કાયદાની સૌથી વધુ અસર શહેરી વિસ્તારોમાં જોવા મળી હતી 500 રૂપિયા દંડ ભરવાના બદલે લોકો અને પોલીસ સાથે ધર્ષણના અનેક બનાવો બન્યા અને કેસો પણ નોંધાયા. આકરા દંડની વસૂલાત પણ થઈ અને પોલીસની વધારાની કમાણી પણ થવા માંડી. સરકારની તિજોરી છલકાઈ પરંતુ લોકોમાં સરકાર પ્રત્યેનો આક્રોશ વધવા માંડ્યો અને આંદોલનો શરૂ થયા અને અંતે હેલ્મેટના કાયદાને શહેરી વિસ્તારોમાં મોકુફ રાખવાની ફરજ પડી.

ભાજપની સૌથી વધુ મજબૂત સ્થિતિ શહેરી વિસ્તારોમાં છે. શહેરી વિસ્તારોમાં ભાજપ માટે હેલ્મેટે મોટી મોકાણ સર્જી હતી અને આવનાર દિવસોમાં લાગુ થશે તો ફરીથી સર્જાયા વિના રહેશે નહીં. સરકારે કાં તો જૂના નિયમના દંડ રાખવા પડશે અને કાં તો હેલ્મેટને લઈ નવી ગાઈડ લાઈન અપનાવવી પડશે એવું લાગે છે. કારણ કે આવનાર વર્ષમાં પાંચ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. અમદાવાદ, વડોદરા,  રાજકોટ અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં હેલ્મેટની આકરી જોગવાઈઓ ભાજપ નુકશાનકારક બની શકે એમ છે. અમદાવાદ અને રાજકોટને બાદ કરતાં વડોદરા અને સુરતમાં 1995થી ભાજપનું રાજ છે. કોંગ્રેસની હાલત મા મને કોઠીમાંથી કાઢ જેવી છે.

આવી સ્થિતિમાં હેલ્મેટનો કાયદો ભાજપ માટે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પજવણીકારક બની જશે અને લોક રોષમાં વધારો થશે એ પણ નક્કી છે. દિલ્હી બેઠેલા ભાજપના શિર્ષ નેતાઓ હવે ગુજરાત સરકારની કામગીરીની સમીક્ષા કરવા મંડી પડ્યા છે. રૂપાણી-નીતિન પટેલના નેતૃત્વ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. 6 પેટાચૂંટણીના પરિણામો અને અમરાઈવાડી જેવા શહેરી વિસ્તારમાં ઓછા વોટીંગમાં પણ ભાજપ ડચકાં ખાતા જીત્યું એ બધું રૂપાણી-નીતિન પટેલ અને વાઘાણીના નેતૃત્વના લેખા-જોખામાં સામેલ કરાશે.

હવે આગામી દિવસોમાં કેબિનેટ હેલ્મેટને લઈ શું નિર્ણય કરે છે તેના પર લોકોની મીટ મંડાયેલી છે. ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા અને સુરેશ મહેતાએ આ જ હેલ્મેટે રાતાપાણીએ નવડાવ્યા હતા, એ પણ એક ઈતિહાસ છે.