ફોટોમાં દેખાતા પહેલાં બેની સિક્યોરીટી વધી અને પાછળના ફોટોવાળા બેની સિક્યોરીટી ઘટી

એક જમાનાનાં માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરની સુરક્ષા ઘટાડી દેવામાં આવી છે, જ્યારે શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરેની સુરક્ષા વધારીને ‘ઝેડ’ કેટેગરીમાં કરવામાં આવી છે. ભારત રત્નથી સન્માનિત તેંડુલકરને અત્યાર સુધી ‘એક્સ’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી, જ્યારે 29 વર્ષીય ધારાસભ્ય આદિત્ય ઠાકરેને ‘વાય પ્લસ’ સુરક્ષા આપવામાં આવતી હતી.

ફોટોમાં પહેલાં દેખાતા લોકોમાં પ્રથમ આદિત્ય ઠાકરે છે અને બીજો ફોટો અન્ના હઝારેનો છે. જ્યારે પાછળના બે ફોટોમાં સચિન તેંડુલકર અને વકીલ ઉજ્જવલ નિકમ છે.  મહારાષ્ટ્ર સરકારની સમિતિએ સુરક્ષાની સમીક્ષા કરી હતી, ત્યારબાદ વિવિધ લોકો પરના જોખમનું મૂલ્યાંકન કરીને તેમને પૂરા પાડવામાં આવતી સુરક્ષામાં બદલાવ કરવામાં આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે સમિતિએ તાજેતરની બેઠકમાં તેંડુલકર અને આદિત્ય ઠાકરે સિવાય 90થી વધુ હસ્તીઓને આપવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરી હતી.

તેંડુલકરને અત્યાર સુધી ‘એક્સ’ કેટેગરી સુરક્ષા આપવામાં આવી હતી. આ કેટેગરી હેઠળ, 46 વર્ષીય ક્રિકેટરની સુરક્ષા હેઠળ એક પોલીસ જવાન દિવસ-રાત તૈનાત રહેતો હતો. આ સુરક્ષા તેમની પાસેથી પાછી ખેંચી લેવામાં આવી છે, પરંતુ હવે જ્યારે તેઓ ઘરની બહાર નીકળશે, ત્યારે તેમને પોલીસ સુરક્ષા આપવામાં આવશે.

જ્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને ‘ઝેડ’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આનો અર્થ એ કે તેમની સુરક્ષા હેઠળ વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. હજી સુધી વર્લીના 29 વર્ષીય ધારાસભ્યને ‘વાય પ્લસ’ કેટેગરી સુરક્ષા આપવામાં આવી હતી.

એનસીપી અધ્યક્ષ શરદ પવારને ‘ઝેડ પ્લસ’ કેટેગરીની સલામતી મળવાનું ચાલુ રાખશે અને તેમના ભત્રીજા અજિત પવારને ઝેડ કેટેગરી સુરક્ષા મળશે.

સમાજસેવક અન્ના હઝારેની સુરક્ષાને ‘વાય પ્લસ’ થી વધારીને ‘ઝેડ’ કેટેગરીમાં કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઈકની સુરક્ષાને ‘ઝેડ પ્લસ’ થી ઘટાડીને ‘એક્સ’ કેટેગરીમાં કરી દેવામાં આવી હતી.

ભાજપના પૂર્વ પ્રધાન એકનાથ ખડસે અને રામ શિંદેની સુરક્ષા પણ ઓછી કરી દેવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યની પાછલી ભાજપ સરકારમાં મંત્રી રહેલા ઘણા લોકોની સુરક્ષા પણ આગામી સમયમાં ઓછી કરવામાં આવશે.

જાણીતા એડવોકેટ કસાબની વિરુદ્વ કેસ લડનારા ઉજ્જવલ નિકમની સલામતી ‘ઝેડ પ્લસ’ થી ઘટાડીને ‘વાય’ કરી દેવાઈ છે. તેમને સુરક્ષા દળ આપવામાં આવશે.