ઈન્ટેલિજન્સ રિપોર્ટ: જૈશે મહોમ્મદ કરી શકે છે અયોધ્યામાં આતંકી હુમલો

ઈન્ટેલિજન્સ એજન્સીઓ તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જૈશ-એ-મોહમ્મદ અયોધ્યામાં મોટા આતંકવાદી હુમલોને અંજામ આપવાની તૈયારીમાં છે. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ટેલિગ્રામ ચેનલ પર ઈન્ટેલિજન્સ એજન્સીઓએ જૈશ ચીફ મસૂદ અઝહરના સંદેશાને ટ્રેપ કર્યો છે. ટેલિગ્રામ ચેનલ પર મસુદ અઝહરનો સંદેશો શેર કરવામાં આવ્યો છે, જેમાં રામ જન્મભૂમિ પર હુમલો કરવાનું કાવતરું હોવાનું કહેવામાં આવ્યું છે.

ઈન્ટેલિજન્સ એજન્સીઓના રિપોર્ટને તમામ સુરક્ષા એજન્સીઓને મોકલવામાં આવ્યો છે. અયોધ્યા સહિત દેશના મહત્વના સ્થળો પર સુરક્ષાને મજબૂત કરવાનું કહેવામાં આવ્યું છે. દેશમાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા નેટવર્ક પર સર્વેલન્સ કડક કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં અમેરિકાએ પ્રતિબંધિત તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના વડા નૂર વાલી મહેસુદ સહિત 12 લોકોને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા હતા અને અનેક આતંકવાદીઓ અને તેમના સમર્થકો’ પર પ્રતિબંધ મૂક્યો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શંકાસ્પદ આતંકવાદીઓ અને તેમને આર્થિક સહાય આપનારા લોકો અને સમર્થકોને પકડવાની તેમની વહીવટની ક્ષમતામાં વધારો કરવા માટે 9/11 ની વર્ષગાંઠના એક દિવસ પહેલા એક્ઝિક્યુટિવ આદેશ જારી કર્યો હતો.

હકીકતમાં પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ રદ્દ કરાતાં બેબાકળા બની ગયા છે. કલમ 37૦ રદ્દ થયા બાદથી મસૂદ અઝહર ભારતને ધમકી આપી હતી કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ -370 રદ્દ દૂર કર્યા પછી પણ ભારત તેની યોજનાઓમાં કદી સફળ થશે નહીં.

એએનઆઈના રિપોર્ટ મુજબ, મસૂદ અઝહરે કહ્યું હતું કે, કાશ્મીરથી જે રીતે વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો છે, તેવું લાગે છે કે મોદી સરકારે તેની હાર સ્વીકારી લીધી છે. ભારત સરકારના આ પગલાથી મુસ્લિમો તેમના હક ગુમાવશે અને ભારતના મોટા ઉદ્યોગપતિઓ કાશ્મીરમાં જમીન ખરીદશે. કાશ્મીરની જનતા ભારતની યોજનાને ક્યારેય સફળ થવા નહીં દે

સંદેશામાં મસુદ અઝહરે કહ્યું છે કે, મુજાહિદ્દીન તેમના ઉદ્દેશ્ય પર પહોંચી ગયા છે. અઝહરનો આ કથિત સંદેશો ફરાન જેફરીના નામે બહાર આવ્યો છે. કાશ્મીરમાં જેહાદનો અધ્યાય પૂર્ણ થયો છે.

આ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિરની તરફેણમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ આતંકવાદી સંગઠનો પણ બદલો લેવાની ફિરાકમાં છે. ચુકાદા બાદથી અયોધ્યામાં આતંકવાદી હુમલો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.