મંદીમાં સપડાયેલા સુરતના કાપડ ઉદ્યોગને ડબલ ફટકો: CAA-NCRના કારણે કરોડોના ઓર્ડર થયા કેન્સલ

CAA અને NRC મુદે્ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તેની વ્યાપક અસર સુરતના કાપડ ઉદ્યોગને થઇ છે. મંદીનાં સમયમાં જેમ-તેમ કરીને વેપાર કરતાં કાપડનાં વેપારીઓનું કહેવું છે કે ઉત્તર-પૂર્વમાં ફાટી નીકળેલાં તોફાનો અને પ્રદર્શનનાં કારણે લગ્નસરાનો 25 ટકા જેટલો વેપાર અસરગ્રસ્ત થયો છે.

મંદીમાં સપડાયેલા કાપડઉદ્યોગ માટે પડયા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. એક અંદાજ મુજબ અત્યાર સુધી એકલા કાપડ ઉદ્યોગના 100થી 150 કરોડના ઓર્ડર કેન્સલ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બે વર્ષથી કાપડઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. દક્ષિણમાં પોંગલનાં તહેવાર અને ઉત્તર ભારતમાં લગ્નસરાની સીઝન પૂરબહારમાં ખીલતાં સુરતનાં કાપડનાં વેપારીઓ ઉત્સાહમાં આવ્યા છે. પરંતુ, પાછલાં એક સપ્તાહથી જે પ્રકારે દેશભરમાં નાગરિકતા કાયદા અને એનઆરસીનાં મુદે્ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેનાં કારણે વેપાર અસરગ્રસ્ત થયો છે. હજુ પ્રદર્શનો વધુ ચાલશે તો સીઝન ચોપટ થઈ જવાની ભીતિ વેપારીઓએ વ્યક્ત કરી છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસીએશનનાં સૂત્રોએ જણાવ્યું છે કે  CAA અને NRCનાં વિરોધમાં દિલ્હી, બિહાર, યુપી અને પૂર્વ ભારતનાં રાજ્યોમાં જે પ્રકારે હિંસક પ્રદર્શનો અને અથડામણ થઈ છે તેનાં કારણે લગ્નસરાની સીઝનનાં વેપારને અસર પહોંચી છે. દક્ષિણ ભારતમાં પોંગલનાં તહેવારમાં વેપાર સારો ચાલે છે. છઠ્ઠી જાન્યુઆરી સુધી પોંગલનાં તહેવારોની ખરીદીની રોનકમાં બજારમાં જોવા મળશે. લગ્નસરાની સીઝન જામતાં બજારમાં ઉત્તર અને દક્ષિણનાં રાજ્યોનાં બહારગામનાં વેપારીઓની ચહલ-પહલ સુરત કાપડમાર્કેટમાં જામી છે.

તોફાનનાં કારણે કોલકત્તા, દિલ્હી, યુપી અને બિહારનાં મુખ્ય શહેરોમાં માલ ધીમો પહેંચી રહ્યો છે. અગાઉ નોંધાયેલાંમાંથી કેટલાં ઓર્ડર કેન્સલ થયાની માહિતી અમારી પાસે નથી. પરંતુ, નવા ઓર્ડરની ગતિ ધીમી પડી છે. આ કારણે વેપારીઓએ ડાઈંગ-પ્રોસેસીંગનાં નવા ઓર્ડર પર થોડી બ્રેક મારી હોવાથી ગ્રેનું માર્કેટ થોડું દબાયું છે.

સુરત ટ્રાન્સપોર્ટેશન સંગઠનનાં સૂત્રોએ કહ્યું કે સામાન્ય સંજોગોમાં સુરતથી ચાર દિવસે કોલકત્તા ટ્રક પહોંચે છે. જે પ્રકારે કોલકત્તામાં હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે તેનાં કારણે સુરતથી 6 દિવસે માલ પહોંચી રહ્યો છે. આ જ પ્રકારે દિલ્હી અને યુપીનાં મુખ્ય શહેરો માટે બની છે. દિલ્હી 25 થી 30 ટ્રક દૈનિક જાય છે. લગ્નસરાની સીઝનમાં ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોમાં સુરતથી 150થી વધુ ટ્રક જાય છે. ધરણા-પ્રદર્શન, રેલીઓ અને હિસંક અથડામણનાં કારણે સુરતનો કાપડનો વેપાર 25 ટકા અસરગ્રસ્ત થયો છે.

પહેલાંથી મંદીની માર સહન કરી રહેલા કાપડ ઉદ્યોગ માટે હાલની સ્થિતિમાં ટકવું મુશ્કેલ બની ગયું છે. વેપારીઓ ગમે તેમ કરીને ગાડું ગબડાવી રહ્યા છે. સ્થિતિ ક્યારે સુધરશે એ કળવું મુશ્કેલ બની ગયું છે.