NRC વિવાદ વચ્ચે બોલ્યા ઉદ્વવ ઠાકરે, મહારાષ્ટ્રમાં નહીં અપાય ડિટેન્શન સેન્ટરની મંજુરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમ સમુદાયને ખાતરી આપી હતી કે રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (NRC) હેઠળ રાજ્યમાં કોઈ પણ ડિટેન્શન કેમ્પ બનાવવામાં નહીં આવે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નાગરિકતા સુધારણા અધિનિયમ (CAA)ની અમલવારીથી મુસ્લિમોને ડરવાની જરૂર નથી અને તે રાજ્યને સાંપ્રદાયિક આધારો પર કોઈપણ નાગરિકોના અધિકારોનો ભંગ કરવાની મંજૂરી અપાશે નહીં.

NRC અને નાગરિકતા સુધારા કાયદા અંગે ઉદ્ભવેલી ચિંતાઓના સંબંધમાં શિવસેના પ્રમુખ ઠાકરેએ કહ્યું હતું કે અમે રાજ્યમાં કોઈ પણ ડિટેન્શન સેન્ટરને મંજૂરી આપીશું નહીં. તેમણે વધુમાં કહ્યું કે તેમની સરકાર સુનિશ્ચિત કરશે કે તાજેતરના એનઆરસી અને નાગરિકત્વ વિવાદમાં કોઈની સાથે અન્યાય ન થાય. ઠાકરેએ સોમવારે પ્રતિનિધિ મંડળ સાથેની મુલાકાત દરમિયાન આ વાતો કહી હતી.

જોકે, ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે કહ્યું નથી કે મહારાષ્ટ્રમાં NRC લાગુ કરવામાં આવશે કે નહીં. જોકે, શિવસેનાના સાથી કોંગ્રેસ અને એનસીપીએ NRCનો સ્પષ્ટ વિરોધ કર્યો છે. ઠાકરેએ NRC પર વાત કરી છે કે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોશે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં નાગરિકત્વ કાયદા અને NRC અંગે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે.

ઉદ્વવ ઠાકરેએ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે મુસ્લિમ સમુદાયના કાર્યક્રમને સંબોધન કરતાં તેમને સીએએ અને રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર (એનઆરસી) નો વિરોધ ન કરવાની વિનંતી કરી હતી, કારણ કે સરકારે દેશવ્યાપી વિરોધની નોંધ લીધી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે સીએએ અમલમાં આવ્યા બાદ નાગરિકોને ડર ન હોવો જોઇએ કે તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. આ પ્રસંગે અબુ અસીમ આઝમી, નવાબ મલિક, અમીન પટેલ, રઈસ શેખ અને મૌલાના સજ્જાદ નૌમાની, મૌલાના મહેમૂદ દરિયાવી અને અન્ય ધાર્મિક વિદ્વાનોએ ભાગ લીધો હતો.