મોંઘવારીનો બોમ્બ ફૂટશે: ટીવી.-ફ્રિઝ, બિસ્કિટ-કેક-સાબુ-ફૂડસનાં ભાવમાં થશે આટલો વધારો

દેશભરમાં એક તરફ કાયદાઓની સાઠમારીને લઈ સમર્થન અને વિરોધનો વાવર ફૂંકાયો છે ત્યારે સામાન્ય લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયા છે. 2020માં ટીવી, ફ્રિઝથી લઈ રોજબરોજ ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો તોળાઈ રહ્યો છે.

ટીવી, ફ્રિઝ કે અન્ય ચીજો 2020ના વર્ષમાં ખરીદવાની જેમની યોજના હોય એ બધાએ ચેતી જવાની જરૂર છે. માહિતગાર વર્તુળોએ જણાવ્યા મુજબ 2020માં મોટા ભાગની ચીજોના ભાવ વધી જવાના છે એટલે મોંઘવારીમાં રાહતની અપેક્ષા રાખનારા લોકો હતાશ થશે.

કન્ઝમ્યુમર પ્રોડક્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ટીવી ફ્રિઝ વગેરે લક્ઝરી ચીજોના ભાવ વધી જવાથી અહીં ઘર આંગણે પણ એ ચીજોના ભાવ વધારવાની અમને ફરજ પડી રહી હતી. ફાઈવ સ્ટાર ગણાતા ટીવી અને ફ્રીઝના ભાવમાં સરેરાશ પાંચથી 6 હજાર રૃપિયાનો વધારો થવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર લક્ઝરી આઈટમ્સ ઉપરાંત આમ આદમીની રોજબરોજ જેનો મબલખ ઉપયોગ કરે છે એ નમકીન અને નૂડલ્સ જેવી ખાવાની ચીજો પણ મોંઘી થશે. અત્યારે માત્ર કાંદાના ભાવ વધુ છે. પરંતુ 2020માં લસણ, બિસ્કિટ, ફ્રોઝન ફૂડ્સ, કેક, સાબુ, રેડી ટુ ઈટ આઈટમ્સ વગેરે પણ મોંઘા થશે.

જોકે, નેસ્લે અને પારલે જેવી કંપનીઓએ જુદો વ્યૂહ અપનાવ્યો છે. એ લોકો ભાવ વધારવાને બદલે પોતાના પેકેટસની સાઈઝ નાની કરી નાખશે. રેનો અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓએ તો ઈશારો કરી જ દીધો છે કે અમે અમારી વિવિધ બ્રાન્ડસના ભાવ વધારવાના છીએ. આમ મોટા ભાગની ચીજોના ભાવ 2020માં વધી જવાના છે એટલે મોંઘવારીમાં રાહતની આશા રાખવા જેવી નથી.