હવે ત્રણેય સેનાના એક જ હશે પ્રમુખ: બિપીન રાવત બની શકે છે સર્વ પ્રથમ CDS

સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ મંગળવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવવાની મંજૂરી આપી હતી. સત્તાવાર સૂત્રોએ આ અંગેની માહિતી આપી હતી. 1999માં કારગિલ સમીક્ષા સમિતિએ સરકારને સૈન્ય સલાહકાર તરીકે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવાનું સૂચન કર્યું. આ પોસ્ટ માટે હાલના આર્મી ચીફ બિપીન રાવતનું નામ ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિના અહેવાલને મંજૂરી આપી હતી. આ સમિતિએ CDSની જવાબદારીઓ અને બંધારણને અંતિમ રૂપ આપ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે CDS ભારતના ત્રણેય દળોના વડા હશે.

ચીફ ડિફેન્સ સ્ટાફના પદની મંજૂરી મળ્યા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ટવિટ કર્યું કે આ ઓતિહાસિક નિર્ણય છે. દેશમાં ઉચ્ચ સંરક્ષણ સંચાલનમાં સુધારાની શરૂઆત કરવા માટેનું આ એક પ્રશંસનીય પગલું છે. સરકારે સંરક્ષણ મંત્રાલયની અંદર સંરક્ષણ મંત્રાલય અને લશ્કરી બાબતોના વિભાગની રચના કરવાનું નક્કી કર્યું છે.

આ અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદને મંજૂરી આપી દીધી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત થનાર અધિકારી ફોર સ્ટાર જનરલ રહેશે અને લશ્કરી બાબતોના વિભાગના વડા પણ રહેશે. સશસ્ત્ર સૈન્ય બાબતોના નિયંત્રણ હેઠળ આવશે જે સૈન્ય બાબતોના સંચાલન માટે યોગ્ય કુશળતા ધરાવે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તેને સંભાળશે.