નેપાળ વડાપ્રધાને સોનિયા ગાંધીની ટવિટને રિટવિટ કરતાં થયો હંગામો

નેપાળના વડાપ્રધાન કેપી ઓલીના સત્તાવાર ટવિટર હેન્ડલ પરથી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો એક વીડિયો રિટવિટ કરાયો પરંતુ થોડાંક જ કલાકની અંદર તેને ડિલીટ કરી દેવાયો. આ વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નાગરિકતા કાયદાને લઇ નરેન્દ્ર મોદી સરકારની આલોચના કરી હતી. આ વીડિયોને એક ભારતીય પત્રકારે રિટવિટ કર્યો હતો.

2 મિનિટ 37 સેકન્ડના આ વીડિયોમાં સોનિયા ગાંધીએ નાગરિકતા કાયદાની વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનોને કથિત રીતે દબાવાની કોશિષને લઇ મોદી સરકાર પર નિશાન સાંધ્યું છે. ભારતીય પત્રકારે આ વીડિયો શેર કર્યો તેની સાથે કેપ્શન પણ લખ્યું હતું.

નેપાળના વડાપ્રધાનના એકાઉન્ટથી આ ટવિટને રિટવિટ કર્યા બાદ હોબાળો મચી ગયો હતો. કેટલાંય લોકોએ તેને અપરિપક્વ કૂટનીતિ ગણાવી અને કહ્યું કે આનાથી નેપાળના ભારતની સાથેના સંબંધને અસર થઇ શકે છે.

ધ ભૂતાનીઝ અખબારના સંપાદક તેનજિંગ લામસાન્ગ એ પણ ટવિટ કરીને પુષ્ટિ કરીને નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ એક ભારતીયની પોસ્ટ રિટવિટ કરી હતી જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંદેશ હતો. લામસાન્ગે રિટવિટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો.

વિવાદ શરૂ થતાં જ રિટવિટ હટાવી દીધી. ત્યારબાદ ઓલીના પ્રેસ એડવાઇઝર સૂર્ય થાપાએ સ્પષ્ટતા કરી અને કહ્યું કે કોઇએ વડાપ્રધાન ઓલીના એકાઉન્ટના પાસવર્ડનો દુરૂઉપયોગ કર્યો અને આ કેસની તપાસ કરાઇ રહી છે.