ડબલ ફટકો: ઝારખંડની હારથી રાજ્યસભામાં ભાજપને થશે આ મોટું નુકશાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હાર ભાજપ માટે ડબલ ફટકા સમાન છે. ઝારખંડમાં મળેલી હારને કારણે ભાજપે સત્તા ગુમાવી છે એટલું જ નહીં, સંસદમાં તેને આનું પરિણામ સહન કરવું પડી શકે છે. સોમવારે જાહેર થયેલા ઝારખંડની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ રાજ્યસભામાં બેઠકો ગુમાવી શકે છે. આગામી લોકસભાની ચૂંટણી 2024માં હોવા છતાં  ભાજપને તે પહેલા રાજ્યસભાની ચૂંટણીમાં આંચકો લાગશે. જ્યારે ભારતીય જનતા પાર્ટી 2024માં આગામી લોકસભાની ચૂંટણી માટે લડશે, ત્યારે તે સમયે ઝારખંડથી રાજ્યસભાની એક પણ બેઠક ન મળી શકે.

જોકે, આંકડા કહે છે કે જો ઝારખંડ વિકાસ મોરચા ભાજપને સમર્થન આપે તો ભાજપ રાજ્યસભામાં તેની વર્તમાન સીટ જાળવી શકે છે. જેવીએમ (પ્રજાસંતિક) એ ઝારખંડની ચૂંટણીમાં ભાજપ સામે લડ્યા હતા, પરંતુ હવે તેણે ભાજપને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યસભામાં ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટીક અલાયન્સ અથવા એનડીએ સરકાર લઘુમતીમાં હોવા છતાં નાગરિકત્વ (સુધારા) અધિનિયમ અને જમ્મુ-કાશ્મીર પુનર્રચના અધિનિયમ અને ત્રિપલ તલાક જેવા કેટલાક મહત્ત્વના બિલ આંતરિક વિરોધ હોવા છતાં પસાર કરવામાં સફળ થઈ છે.

ઝારખંડમાં 2020, 2022 અને 2024માં બે બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાશે. હકીકતમાં ઝારખંડ પાસે રાજ્યસભાની કુલ 6 બેઠકો છે, જેમાંથી હાલમાં ભાજપ પાસે ત્રણ, કોંગ્રેસ અને લાલુ યાદવની આરજેડીની એક-એક બેઠક છે. પરિમલ નથવાણી છઠ્ઠી બેઠક પર અપક્ષ સાંસદ છે.

આ તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અને જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધન વચ્ચે સીધી ફાઈટ થશે. કારણ કે રાજ્યની વિધાનસભામાં હાલના રાજકીય આંકડાનાં કારણે પેચીદું બની ગયું છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીથી વિપરીત, રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યો ઉપલા ગૃહના ઉમેદવારને મત આપે છે. ઝારખંડમાં 81 વિધાનસભા બેઠકો છે.

રાજ્યસભાના કોઈપણ ઉમેદવારને જીતવા માટે ઓછામાં ઓછા 28 મતોની જરૂર રહેશે. ભાજપ પાસે ફક્ત 25 બેઠકો છે, તો આવી સ્થિતિમાં તેને અન્ય પક્ષોનો આશરો લેવો પડશે. પરંતુ જો ભાજપને જેવીએમનું સમર્થન મળે તો સમીકરણ બદલાઈ શકે છે, કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં જેવીએમએ ત્રણ બેઠકો જીતી લીધી છે. આ રીતે જ્યારે પણ ઝારખંડમાં દ્વિવાર્ષિક રાજ્યસભાની ચૂંટણીઓ યોજવામાં આવશે ત્યારે દર વખતે ભાજપને આ ત્રણ બેઠકોની જરૂર પડશે.

જો ભાજપને જેવીએમનું સમર્થન મળે તો કુલ 28 ધારાસભ્યો સાથે ત્રણ બેઠકો જીતી શકે છે. પરંતુ અત્યારે જે રાજકીય પરિસ્થિતિ છે અને જો જેવીએમ ભાજપથી અંતર રાખે તો ભાજપ માટે રાજ્યસભાની એક પણ બેઠક જીતવી મુશ્કેલ બની રહેશે.

રાજ્યસભાની ચૂંટણીમાં, પ્રથમ બેઠક સરળતાથી જીતી લેવામાં આવશે, પરંતુ દરેક વખતે રાજ્યસભાની ચૂંટણી માટ ડ્રામા જોવા મળી શકે છે. જેએમએમ ગઠબંધન પ્રથમ બેઠક જીતશે, પરંતુ બીજી બેઠક માટેની ચૂંટણીમાં તેમાં ફક્ત 19 વધારાના ધારાસભ્યો છે, જેણે ધારાસભ્યોના બીજા પસંદગીના મતો દ્વારા નિર્ણય લેવો પડશે. ત્યાં પણ જેએમએમ-કોંગ્રેસ-આરજેડીને ભાજપની સામે ફાયદો થશે.

એવી અપેક્ષા છે કે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકાર 2021 ના અંત સુધી રાજ્યસભામાં બહુમતીમાં હાંસલ કરી લેશે. પરંતુ જો ભાજપ ઝારખંડમાં એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ જાય તો રાજ્યસભામાં બહુમતીના આંકડાથી દૂર રહી શકે છે.

નોંધપાત્ર વાત એ છે કે ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ હેઠળ રચાયેલી જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધને 47 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. જેએમએમ 30, કોંગ્રેસ 16 અને આરજેડીએ એક સીટ પર વિજય મેળવ્યો છે. આ સાથે જ ભાજપને માત્ર 25 બેઠકો મળી છે.