“તમને શરમ આવવી જોઈએ”: ફ્લાઈટમાં પ્રજ્ઞા ઠાકુર પર ભડક્યા મુસાફરો, જૂઓ વીડિયો

ભાજપના ભોપાલનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્રજ્ઞાસિંહ ઠાકુરને ફરી એક વાર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીથી ભોપાલની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા સાધ્વીનો સીટને લઈ મુસાફરો સાથે જીભાજોડી થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થયો છે. વીડિયોમાં એક મુસાફર ભાજપના સાંસદને કહી રહ્યો છે કે આવા પ્રકારના વ્યવહારને લઈ તમને શરમ આવવી જોઈએ.

દિલ્હીથી ભોપાલ જઇ રહેલી સ્પાઈસજેટ ફ્લાઇટમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ક્રુ મેમ્બરો સાથે  સીટને લઇને શાબ્દીક ટપાટપી કરી હતી. સીટની માંગને લઈ સાધ્વી પ્લેનમાં જ ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાનમાં મુસાફરોએ પ્લેનમાં સાધ્વી વિરુદ્વ મોરચો ખોલી દીધો હતો અને તેમના વર્તાવની આકરી ટીકા કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મહિલા કહી રહી છે કે, “તમે નક્કી કરો… તમારું મેનેજમેન્ટ કોણ છે? અહીં કોઈ પણ પ્રકારનું પ્રોફેશનલિઝમ નથી.”

આનો જવાબ આપતા  સાધ્વીએ કહેતા સંભળાય છે કે “મેં સવારે કહ્યું, મને તમારી રૂલબૂક બતાવો. મને લાગશે તો હું બેસીશ નહિંતર હું જતી રહીશ.”

આ દરમિયાન અન્ય એક મુસાફર વચ્ચે આવે છે અને સાધ્વી પ્રજ્ઞાસિંહ પર ગુસ્સો ઠાલવે છે. મુસાફર કહેતો સંભળાય છે કે તમે જનપ્રતિનિધિ છો અને તમે લોકોને મુશ્કેલી આપી રહ્યા છો. તમને શરમ નથી કે તમારા કારણે 50 લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સાધ્વી મુસાફરને યોગ્ય ભાષા વાપરવાનું કહે છે તો મુસાફર જવાબ આપે છે કે શરમ સારો શબ્દ જ છે.

તમને જણાવી દઈએ કે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનો સ્પાઇસ જેટની ફ્લાઇટમાં બેઠકને લઈને ક્રુ મેમ્બરો સાથે વિવાદ થયો હતો. સાધ્વીને સૌથી આગળ ઇમરજન્સી સીટ જોઈતી હતી. સાધ્વી વ્હીરચેર ખુરશી પર એરપોર્ટ પહોંચ્યા હોવાથી તેમને ઇમરજન્સી બેઠક મળી શકતી નહોતી, પરંતુ ભાજપના સાંસદ સીટને લઈ જીદે ચઢ્યા હતા. ત્યાર બાદ સીટને લઈ વિવાદ થયો હતો. સાધ્વીએ વિમાનના ક્રૂ સભ્યો પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો.