ભારતીય હોવાના દસ્તાવેજો માંગવાનો કોઈને અધિકાર નથીઃ પ્રિયંકા ગાંધી

CAA વિરોધી પ્રદર્શનો દરમિયાન જીવ ગુમાવનાર મૃતકોના પરિવારોને બિજનોરમાં તેમના નિવાસસ્થાને જઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સાંત્વના આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીયતા સાબિત કરવા માટે દસ્તાવેજો માંગવાનો કોઈને અધિકાર નથી.

નાગરિક્તા કાયદાને લઈને કેન્દ્ર પર નિશાન સાધતા કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે કહ્યું હતું કે કોઈની પણ ભારતીયતા સાબિત કરવા માટે કોઈને પણ દસ્તાવેજો માંગવાનો હક્ક નથી. પ્રિયંકા ગાંધી રવિવારે બિજનોરમાં નાગરિક્તા કાયદાની વિરૃદ્ધ દેખાવ દરમિયાન માર્યા ગયેલા અનસ અને સુલેમાનના પરિવારના સભ્યોને મળવા ગયા હતાં.

આ દરમિયાન તેમણે પત્રકારોને કહ્યું કે, હું પરિવારની સાથે છું, હુ જેમની સાથે ખોટું થયું છે. તમામ ગરીબ મજૂર અને ગૃહસ્થ હતાં. તેમને નાના બાળકો છે. તેમની દેખરેખ કરનાર કોઈ નથી. કોંગ્રેસ જનરલ સેક્રેટરીએ આ ઘટનાની તપાસની માંગ કરી છે. દેખાવોમાં ઘણાં બધા લોકો માર્યા ગયા છે. ઘણાં હોસ્પિટલમાં છે. ઉત્તરપ્રદેશ સરકાર તરફથી કોઈપણ પીડિત પરિવારને મળવા આવ્યું નથી. કોઈ તેમને સાંભળનારૃં નથી. દુઃખના આ સમયમાં તેમનું સમર્થન કરો.

તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાની આજે બિલકુલ જરૃરિયાત નથી. ચારે તરફ બેરોજગારી છે, અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પડી ભાંગી છે. આ સમસ્યાઓનું સમાધાન કરવાના સ્થાને ભાજપ સરકાર પ્રત્યેક ભારતીયને એ સાબિત કરવા માટે કહી રહી છે કે તમે એક ભારતીય છો. આ કાયદો ગરીબ વિરોધી છે. વસાહતોમાં રહેનાર લોકો  1971 પહેલાના દસ્તાવેજ કઈ રીતે આપશે? તેમણે આરોપ લગાવ્યો કે ઉત્તરપ્રદેશ ભાજપની સરકાર લોકોની સમસ્યાઓને સાંભાળવા માંગતી નથી. લોકોને ન્યાય મળી રહ્યો નથી. તેઓ સરકારને પોતાની સમસ્યાઓ શેર કરવાથી ડરે છે.

ઉત્તરપ્રદેશ પોલીસના જણાવ્યા મુજબ, રાજ્યના વિવિધ હિસ્સાઓમાં નાગરિક્તા કાયદાની વિરૃદ્ધ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી ઊઠી. દેખાવકારોએ પથ્થરમારો અને તોડફોડ પણ કરી. આ દરમિયાન 15 લોકોના મૃત્યુ થયા. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઓપી સિંહે કહ્યું કે દેખાવકારોની વિરૃદ્ધ કુલ 135 અપરાધિક મામલા નોંધવામાં આવ્યા છે જ્યારે ર૮૮ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.