જમાલ ખાશોગીની હત્યા મામલે આઠ આરોપીઓ દોષિત, પાંચને સજા-એ-મોત

અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે સાઉદીની કોર્ટે ૫ લોકોને દોષી માનીને મોતની સજા સંભળાવી છે. તે સિવાય અન્ય ત્રણ લોકોને કુલ ૨૪ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. સાઉદી સરકાર તરફથી પક્ષ રાખીને જણાવાયું હતું કે ખશોગીની હત્યા સાઉદીના જ અમુક લોકોએ કરી હતી. આ મામલામાં ૧૧ અજ્ઞાત લોકો પર કેસ ચલાવવામાં આવ્યો હતો.

તુર્કી સરકારે ખશોગીના મૃતદેહની શોધ કરવા માટે દૂતાવાસની તપાસ કરી હતી. જોકે આજ સુધી ખશોગીનો મૃતદેહ મળી શક્યો નથી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખશોગીના મૃત્યુ બાદ હિટ ટીમના સભ્યોએ મૃતદેહને નષ્ટ કરવા માટે બોડીને એસિડમાં ફેંકી દીધી હતી.

આ પહેલા સાઉદી અધિકારી ખશોગીની હત્યામાં હાથ હોવાથી ઇનકાર કરતા રહ્યા છે. જોકે તુર્કી ન્યૂઝપેપર આ મામલે ખુલાસા કરતા રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના હત્યાકાંડથી જોડાયેલા એક રિપોર્ટમાં એક્સપર્ટ ક્લામર્ડે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને કહ્યું હતું કે ખશોગીની હત્યાથી જોડાયેલા પુરાવાઓના આધારે કહી શકાય છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તેમના ઉચ્ચ અધિકારીઓ હત્યાથી જોડાયેલા હતા. એક ડોક્યુમેન્ટરીના ઇન્ટરવ્યૂમાં પ્રિન્સ મોહમ્મદે કહ્યું હતું કે તેઓ ખશોગીની હત્યાની જવાબદારી સ્વીકારે છે.