નેશનલ એવોર્ડ: આ કારણોસર અમિતાભ બચ્ચન દાદા સાહેબ ફાળકે એવોર્ડ લેવા જઈ શક્યા નહીં

નવી દિલ્હીમાં આજે નેશનલ એવોર્ડ-2019નો રંગારંગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. 77 વર્ષીય બિગ-બીએ કાર્યક્રમમાં અનુપસ્થિતિ અંગે ટવિટ પણ કર્યું હતું. પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે અવોર્ડ લેવા માટે અમિતાભ જઈ ન શક્યા તેની પાછળ તેમની નાદુરસ્ત તબિયત કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

અમિતાભ બચ્ચને ટવિટ કરી જણાવ્યું કે ફરી એક વાર ફિવરમાં સપડાયો છું. અને મને મુસાફરી કરવા માટે ડોક્ટરો દ્વારા પરમીશન આપવામાં આવી નથી. આના કારણે નેશનલ એવોર્ડ પ્રોગ્રામમાં હાજર રહી શકાશે નહીં.

અમિતાભ બચ્ચનને સુવિખ્યાત દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવનાર હતો. આ એવોર્ડ પ્રતિષ્ઠિત છે અને આ એવોર્ડને ફિલ્મી દુનિયા માટેનું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. નેશનલ એવોર્ડ સભારંભમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂના હસ્તે ફિલ્મી સિતારાઓને વિવિધ કેટેગરીના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

નેશનલ એવોર્ડ ઉપરાંત અમિતાભે 25મા કોલકાતા ઈન્ટરનેશનલ એવોર્ડમાં પણ હાજરી આપી ન હતી. ત્યારે પણ તેમણે નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું હતું. તે સમયે બિગ-બી નાનાવટી હોસ્પિટલમાં એડમીટ હતા. પાછલા કેટલાક દિવસ પહેલાં પણ અમિતાભને લીવરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભને કામ ઓછું કરવા માટે ડોક્ટરોએ કહ્યું છે અને વધુ કામ નહીં કરવાની સલાહ આપી છે.