થર્ટી ફર્સ્ટ: ડીસામાં દારુની હેરાફેરીનો કિમીયો, દૂધના ટેન્કરમાંથી નીકળ્યો 33 લાખનો દારુ

રાજસ્થાનમાંથી મોટાપાયે દારૂનો જથ્થો બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવીને બનાસકાંઠાની સરહદે થઈ ગુજરાતના વિવિધ શહેરોમાં ઘૂસાડવામાં આવે છે. અને હાલમાં આગામી થર્ટીફસ્ટની ઉજવણી ને લઈ દારૂની માંગ વધુ હોવાથી બુટલેગરો અગાઉથી જ જથ્થો સંગ્રહ કરી લેતાં હોય છે.જોકે અનેકવાર પોલીસ બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડતી હોય છે.ત્યારે ગઈ મોડીરાત્રે બનાસકાંઠા એલ.સી.બીની ટીમે બાતમીના આધારે ડીસા તાલુકાના દામા ગામ પાસેથી દૂધના ટેન્કરમાં લઈ જવાતો લાખો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.પોલીસે દારૂ, ટેન્કર, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ઈસમની અટકાયત કરી છે.

આબનાવની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલની સુચનાથી બનાસકાંઠા એલ.સી.બી.ના પી.આઈ.એચ.પી. પરમાર પોતાની ટીમના મહેશભાઈ , મિલનદાસ, પ્રવિણસિંહ, નરેન્દ્રસિંહ સાથે શુક્રવારે મોડીરાત્રે ડીસા થરાદ રોડ પર પેટ્રોલિંગમાં હતા.ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, દૂધના ટેન્કરમાં મોટાપાયે દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે.જેથી એલ.સી.બી.ની. ટીમે તાત્કાલિક ડીસા તાલુકાના દામા ઠાકુરવાસ બસસ્ટેન્ડ પાસે નાકાબંધી કરી હતી. તે દરમ્યાન આવી રહેલ દૂધના ટેન્કર નંબર- RJ-12-M-1889 ને રોકાવી ત૫ાસ કરતા ટેન્કરમાં દૂધના બદલે દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટેન્કરમાંથી 33,35,200નો દારૂ, મોબાઈલ ફોન રોકડ રકમ અને ટેન્કર સહિત કુલ 43,44,590 રૂાનો કુલ મુદ્દામાલ જપ્ત કરી ટેન્કર ચાલક ક્રિneષ્નારામ બંસીલાલ વિશ્નોઈ (ઈશરવાલા)રહે. નયાવાડા,રાજસ્થાનવાળાની અટકાયત કરી હતી.તેમજ દારૂનો જથ્થો ભરાવનાર ગણપત સારણ (વિશ્નોઈ) અને લાધુરામ હરીરામ શીયાક વાળા સામે પ્રોહીબીશન એકટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.થર્ટીફસ્ટની ઉજવણી પહેલા જ લાખ્ખો રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.