રાજ ઠાકરેએ અમતિ શાહને આપ્યા અભિનંદન, જાણો કેમ?

સિટીઝન એમેન્ડમેન્ટ ઍકટ (સીએએ)ને લઈને મતભેદો ચાલી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અન્ય દેશના કોઈપણ નાગરિકને ભારતમાં ન સમાવવાની વાત કરી હતી અને આપણો દેશ ધર્મશાળા છે કે શું તેવો સવાલ પૂછ્યો હતો. પુણે ખાતે પત્રકારો સાથે વાત કરતા રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે દેશમાં પહેલેથી 135 કરોડની જનસંખ્યા છે ત્યારે અન્ય દેશોના લોકોને નાગરિકતા આપવાની શું જરૂર છે. દેશમાં પહેલેથી ઘણી અસુવિધાઓ છે. વધી રહેલી વસતિને લીધે ઘણી સમસ્યાઓ છે, આથી કોઈપણ ધર્મનો માણસ હોય તેને આપણા દેશમાં લાવવાની શી જરૂર છે.

આ સાથે તેમણે ભારતમાં રહેતા મુસ્લિમોને પણ ડરવાની કોઈ જરૂર નથી, તેમ પણ જણાવ્યું હતું. અન્ય દેશના લોકોને બહાર ધકેલી મૂકવા જોઈએ. માનવતાનો ઠેકો માત્ર ભારતે લઈ રાખ્યો નથી, તેવા કઠોર શબ્દોમાં તેમણે સીએએની ટીકા કરી હતી.

મંદી પરથી ધ્યાન હટાવવા બદલ અમિત શાહને અભિનંદન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને રાજ ઠાકરેએ ટોણો માર્યો હતો અને આર્થિક મંદી પરથી લોકોનું ધ્યાન હટાવી સીએએ-એનઆરસી લાવવા બદલ અભિનંદન આપ્યા હતા. રાજે કહ્યું હતું કે દેશના અન્ય મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા બદલ મને અમિત શાહને અભિનંદન આપવાનું મન થાય છે. શાહે સફળતાપૂર્વક રાજકીય રમત રમવામાં આવી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જો આધારકાર્ડ દ્વારા તમે મત આપી શકતા હોવ તો નાગરિકતા સાબિત કરવા અન્ય પુરાવાની શી જરૂર છે, તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.