ભારતમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી, મોદીના પૂતળા બાળો, ગરીબનું ઝુપડું ન બાળો : PM મોદી

નાગરિકતા સુધારણા અધિનિયમ અને એનઆરસી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષો આ અંગે દેશને ગેરમાર્ગે દોરે છે. જુઠ્ઠાણા અને મૂંઝવણ ફેલાવાઈ રહી છે. PM મોદીએ કહ્યું કે, જેઓ હજી મૂંઝવણમાં છે, હું તેમને કહીશ કે કોંગ્રેસ અને અર્બન નક્સલવાદીઓ દ્વારા ઉભા કરાયેલા ડિટેન્શન સેન્ટરની અફવા ખોટી છે. આ દેશના મુસ્લિમો, જેમના પૂર્વજો મા ભારતીના સંતાન હતા, તેઓને નાગરિકતા કાયદા અને એનઆરસી સાથે કોઈ લેવાદેવા નથી. એનઆરસી વિશે દુર જુર સુધી ચર્ચા નથી.

તેમણે કહ્યું કે સરકાર દ્વારા દરેક ગરીબો માટે યોજના બનાવવામાં આવે છે. દરેક ગરીબને તેનો લાભ મળે છે. તેમની સરકાર ક્યારેય કોઈના ધર્મ અંગે પૂછતી નથી. તો પછી કેમ સરકાર પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં ‘આભાર રેલી’ને સંબોધન કરતાં મોદીએ કહ્યું કે સમસ્યાઓને લટકતી રાખવી એ મારા સંસ્કાર નથી.

તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ધીમી ગતિએ કામ કરીને અટકી જતા હતા. અગાઉની સરકારે સમસ્યાઓનું પ્રમાણિકતાથી નિરાકરણ કરવાની તૈયારી ક્યારેય દર્શાવી નથી. મહત્વનું છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં 1734 ગેરકાયદેસર વસાહતોને નિયમિત કરવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર માનવા માટે ભાજપે રામલીલા મેદાન ખાતે એક રેલીનું આયોજન કર્યું હતું. દિલ્હીમાં ગેરકાયદેસર વસાહતોના નિયમિતકરણથી લગભગ 40 લાખ લોકોને માલિકી પ્રાપ્ત કરવાનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘સંસદના તાજેતરમાં પૂરા થયેલા સત્રમાં દિલ્હીની વસાહતોને લગતા બિલ ઉપરાંત, અન્ય એક મહત્વપૂર્ણ બિલ દ્વારા નાગરિકતા સુધારણા બિલ પસાર કરવામાં આવ્યું. આ ખરડો પસાર થયા પછી, કેટલાક રાજકીય પક્ષો વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવીને ગેરમાર્ગે દોરતા હોય છે. હું આ વિધેયક અંગે મૂંઝવણ ફેલાવતા લોકો પાસેથી જાણવા માંગું છું, જ્યારે અમે દિલ્હીની સેંકડો વસાહતોને કાયદેસર બનાવવાનું કામ કર્યું, તો પછી કોઈને પૂછ્યું કે તમારો ધર્મ શું છે, તમારી આસ્થા ક્યાં છે, તમે કયા પક્ષને સમર્થન આપી રહ્યા છો?

તેમણે કહ્યું કે નાગરિકતા સુધારો અધિનિયમ ભારતના કોઈપણ નાગરિક માટે નથી, ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ. આ અંગે સંસદમાં બોલવામાં આવ્યું છે. આ કાયદાનો આ દેશની અંદર રહેતા 130 કરોડ લોકો સાથે કોઈ લેવા-દેવા નથી.

તેમણે કહ્યું કે આ અધિનિયમ તે લોકો માટે લાગુ પડશે જેઓ વર્ષોથી ભારતમાં જ રહે છે. કોઈ પણ નવા શરણાર્થીને આ કાયદાનો લાભ મળશે નહીં. ધાર્મિક અત્યાચારના કારણે જે લોકો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવ્યા હતા તેમની સુરક્ષા કરવાનો કાયદો છે. સીએએ નાગરિકત્વ છીનવી લેવા માટે નથી પરંતુ નાગરિકત્વ આપવા માટે છે. આપણા ત્રણ પાડોશી દેશોની લઘુમતીઓને અત્યાચારના કારણે ત્યાંથી ભારત આવવાની ફરજ પડી છે, તેમને આ એક્ટમાં થોડી રાહતો આપવામાં આવી છે, તેમને છૂટછાટ મળી છે.