ઈશનિંદા બદલ પાકિસ્તાનમાં મુસ્લિમ પ્રોફેસરને ફાંસીની સજા

પાકિસ્તાનની એક કોર્ટે શનિવારે મુસ્લિમ પ્રોફેસરને ઈશનિંદાના ગુના બદલ ફાંસીની સજા ફટકારી છે. જુનૈદ હાફિઝ પંજાબ પ્રાંતના મુલતાન શહેરમાં બહાઉદ્દીન ઝકરીયા વિશ્વવિદ્યાલય (BJDU)ના અંગ્રેજી વિભાગમાં લેક્ચરર હતા. ઈશનિંદના આરોપમાં પોલીસે તેમની 13 માર્ચ 2013માં ધરપકડ કરી હતી.

આ કેસની સુનાવણી ૨૦૧૪માં શરૂ થઈ હતી. હાફિઝને મુલતાનની નવી મધ્યસ્થ જેલના હાઈ-સિક્યોરિટી વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. એડિશનલ સેશન્સ જજ કાશિફ ક્ય્યૂમે હાફિઝને આ કેસમાં મોતની સજા ફટકારી હતી. પાકિસ્તાનની દંડ સંહિતાની લકમ ૨૯૫-સી હેઠળ તેને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે હાફિઝને કલમ 285-બી હેઠળ 10 વર્ષની જેલ અને પીપીસી કલમ 195- એ હેઠળ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે સજા સતત ચાલુ રહેશે.

હાફિઝના વકીલ રાશિક રહમાનની મે-2014માં તેની જ ઓફિસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ હોબાળો થયો હતો. હાફિઝના માતા-પિતાએ ચાલુ વર્ષના પ્રારંભે પૂર્વ ચીફ જસ્ટિસ આફિસ સઈદ ખોસાને પોતાના દીકરાનો કેસ જોવા મટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમનો દીકરો ઈશનિંદાના ખોટા ગુનામાં 6 વર્ષથી મુલતાનની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો છે. આ કેસમાં અનેક જજોની બદલી પણ કરવામાં આવી હતી.

હાફિઝે અમેરિકાના જેક્સન સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. તેણે ફુલબ્રાઈટ સ્કોલરશિપ પ્રાપ્ત થઈ છે. પાકિસ્તાન પરત આવ્યા બાદ તે બીજેડીયુના અંગ્રેજી વિભાગ સાથે સંકળાયો હતો. ઈશનિંદા પાકિસ્તાનમાં અત્યંત સંવેદનશિલ મુદ્દો છે. આ મામલે કેટલીક વખત ટોળું પણ આરોપીને નિશાન બનાવતું હોય છે. કુરાન અથવા પયંગબર મોહમ્મદનું અપમાન કરવા પર આજીવન જેલ અથવા મોતની સજા થઈ શકે છે. કેટલાક અધિકાર સંગઠનોએ જણાવ્યું હતું કે, ઈશનિંદાનો દુરુપયોગ બદલાની ભાવનાથી પણ કરવામાં આવે છે.