આ કારણોસર કુમાર બિરલાના ક્રિકેટર પુત્રએ રમતનું મેદાન છોડી દીધું…

દેશના પ્રખયાત બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમાને માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો છે. તેણે શુક્રવારે ટિ્‌વટર પર આ માહિતી આપી હતી. તે સ્થાનિક ક્રિકેટમાં મધ્યપ્રદેશ તરફથી રમે છે. આર્યમેને ટિ્‌વટમાં લખ્યું છે – ’ક્રિકેટ કારકિર્દીમાં આ તબક્કે પહોંચવાની સફર સખત મહેનત, સમર્પણ અને હિંમતથી ભરેલી હતી.

છેલ્લા કેટલાક સમયથી હું રમત વિશે ચિંતા કરું છું. અત્યાર સુધીમાં મેં બધી હતાશાઓને દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે મને લાગે છે કે બધી બાબતોને બદલે મારે મારા માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા વિશે વિચારવું જોઈએ. તેથી ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો છે. આ સુંદર રમત મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હું યોગ્ય સમયે મેદાનમાં પાછો ફરીશ.

ક્રિકેટરે આગળ લખ્યું કે, “હું મારી જાતને વધુ સારી રીતે સમજવા માટે સમય માંગું છું. હું મારા માટે નવી શક્યતાઓ અને મારા માટે નવા લક્ષ્યો સેટ કરવા માંગુ છું. હું મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન અને તે બધા લોકોનો આભાર માનું છું કે જેઓ અત્યાર સુધી મારી સાથે રહ્યા છે. તે જ સમયે, હું તે બધા લોકોનો આભાર માનું છું જેમણે મને સમજી અને પોતાનું મૂલ્યાંકન કરવા માટે મને ટેકો આપ્યો. આ મુશ્કેલ સમય છે, પરંતુ આ સમય મને સાચા મિત્રો અને શુભેચ્છકો ઓળખવામાં મદદ કરશે. મને વિશ્વાસ છે કે હું આ મુશ્કેલ સમયને તાકાતથી પાર કરીશ.