યુપીમાં આઠ વર્ષના સમીરનું મોત: પત્રકાર રોહિણીસિંહે કહ્યું “આવું તમારી સાથે પણ થઈ શકે છે”

ઉત્તર પ્રદેશમાં વિવાદિત નાગરિકત્વ સુધારો કાયદાના વિરોધમાં આઠ વર્ષના બાળક સહિત 15 લોકોનાં મોત નીપજ્યાં છે. મળતી માહિતી મુજબ, બિજનોર, ફિરોઝાબાદ, મેરઠ અને વારાણસીમાં દેખાવો દરમિયાન આ મોત થયા છે. આ સાથે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે.

હકીકતમાં વારાણસીના બજરડીહા વિસ્તારમાં શુક્રવારે દેખાવકારોને પોલીસે ભગાડ્યા હતા અને તે દરમિયાન નાસભાગમાં આઠ વર્ષીય મોહમ્મદ સમીર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને વારાણસીના બીએચયુ ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન સમીરનું મોત નીપજ્યું હતું.

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આઠ વર્ષીય બાળકના મોતને ન્યાયી ઠેરવી રહ્યા છે અને સરકાર અને પોલીસની પ્રશંસા કરી રહ્યા છે. આ અંગે પત્રકાર રોહિણીસિંહે ટવિટર પર લખ્યું….

“જેઓ 8 વર્ષના બાળકના મોતને ન્યાયી ઠેરવી રહ્યા છે, તેઓ ગમે ત્યારે સરકારનો વિરોધ કરશે, તેમના બાળકો સાથે પણ આવું જ થઈ શકે છે. દ્વેષમાં એટલા બધા તણાઈ ન જાઓ કે તમે બાળકના મૃત્યુનો ઉત્સવ ઉજવવાનું શરૂ કરી દો.”

વારાણસીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારામાં નવ પોલીસ કર્મચારીઓ સાથે 14 અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસે દશશ્વમેધ પોલીસ મથકમાં આઠ લોકોના નામ સાથે અને 200 અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે સીએએ અને એનઆરસીને લઈને દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. એકલા ઉત્તર પ્રદેશમાં પ્રદર્શન દરમિયાન 15 લોકોનાં મોત નીપજ્યાં, ઘણા પોલીસ જવાન ઘાયલ થયા. પરંતુ હજી પણ કેન્દ્રની મોદી સરકાર અને યોગી સરકાર કોઈ સમાધાન શોધી શકી રહ્યા નથી. દેશમાં દેખાવો થઈ રહ્યા છે ત્યારે સરકારે તેને રોકવાનો માર્ગ શોધી કાઢવો જોઈએ.